Saturday - Jul 18, 2026

લોકપર્ણ પહેલા જ નવા રોડ ઉપર ભ્રષ્ટાચારના ગાબડા પડયાનો આક્ષેપ

લોકપર્ણ પહેલા જ નવા રોડ ઉપર ભ્રષ્ટાચારના ગાબડા પડયાનો આક્ષેપ

મોરબીમાં નવોનકોર પંચાસર રોડ લોકપર્ણ પહેલા જ તૂટી જતા સ્થાનિક લોકો વિફર્યા હતા અને રોષે ભરાયેલા લોકો રસ્તા ઉપર ઉતરી આવી ચોથી વખત રસ્તા રોકો આંદોલન કર્યું હતું. લોકોએ ચક્કજામ કરતા અનેક વાહનો અટવાયા હતા. સ્થાનિકોએ ઉગ્ર રજુઆત કરી હતી કે, અમારે કોઈપણ રાજકીય પક્ષ સાથે કોઈ લેવા દેવા નથી, પણ રોડ સારો બનવો જોઈએ.જરાય હાલાકી ન પડે તેનું ધ્યાન રાખવાની તંત્ર અને સરકારની જવાબદારી છે. એ પૂરેપૂરી નિભાવે તેવી માંગ કરી છે.

લોકપર્ણ પહેલા જ નવા રોડ ઉપર ભ્રષ્ટાચારના ગાબડા પડયાનો આક્ષેપ

મોરબીના હાર્દ સમાં અને વિશાળ રેન્જ ધરાવતા પંચાસર રોડની એક વર્ષ પહેલાં તંત્ર દ્વારા રૂ. 3 કરોડથી વધુના ખર્ચે નવો બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી  પણ હજુ આ રોડ નવો બન્યો નથી. લોકપર્ણની વાત બાજુએ રહી પણ રોડ બનાવવાના એકેય નીતિ નિયમોનો અમલ થયો નથી હજુ તો આ માર્ગ બન્યો નથી. તે પહેલાં માર્ગ ઉપર ગાબડા પડવા લાગ્યા છે. એટલે રોડની કામગીરી લોટ પાણી ને લાકડા જેવી થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. જો કે રોડ બનાવતા પહેલા મોટી માત્રા કાચા પાકા દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવાયું હતું.હજુ પણ ઘણા દબાણો રોડની કામગીરીમાં નડતરરૂપ છે. ડિવાઈડર પણ યોગ્ય રીતે નાખવામાં આવ્યા નથી. આ નવા પંચાસર રોડ ઉપર ડિવાઈડર સમાંતર થઈ ગયું છે. એટલે વચ્ચેનું ડિવાઈડરનો કોઈ અર્થ જ ન હોય અકસ્માત વધવાની શકયતા છે. બીજી તરફ જે સીસી નવો માર્ગ બન્યો એમાં ગાબડા પડીને તૂટી ગયો હોવાથી સ્થાનિકો અકળાયા હતા. રોડનું કામ એકદમ નબળું થયું હોવાના આરોપ સાથે સ્થાનિકીએ રોડ ઉપર ચક્કજામ કરીને તંત્ર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને માર્ગ હજુ ખુલ્લો ન મુકાયો હોય ત્યાંજ ગાબડા પડી જતા તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલી ભગતથી રોડનું કામ એકદમ ખરાબ થયું હોવાનો આક્ષેપ કરી હજુ પણ યોગ્ય રીતે સીસી રોડનું કામ કરવાની માંગ કરી હતી.


રોડનું કામ સારું ન થાય તો મહાપાલિકાને તાળાબંધી કરાશે

સ્થાનિકોની સાથે રોડના નબળા કામના વિરોધ પ્રદર્શનમાં આપ પાર્ટીના આગેવાનો જોડાયા હતા. આપ પાર્ટીના અગ્રણી પંકજભાઈ રાણસરિયાએ જણાવ્યું હતું કે, પંચાસર રોડ ઉપર જે ગાબડા પડ્યા તે ભાજપ સરકારના ભ્રષ્ટાચારના ગાબડા છે. લોકોએ પોતાની સુવિધા માટે સતત ચોથી વખત આંદોલન કરવું પડે એ બતાવે છે કે, તંત્રને કઈ પડી જ નથી. લોકો રજુઆત કરી કરીને થાકી ગયા તેમ છતાં લોકોના કામો થતા જ નથી. ત્યારે આ પંચાસર રોડનું કામ યોગ્ય રીતે નહીં થાય તો મ્યુનિસિપલ કમિશનરને ઘેરાવ કરી મહાનગરપાલિકાને તાળાબંધી કરાશે તેવી તેમણે ચીમકી ઉચ્ચારી છે.

ખાતરીનો ગોળ કોણીએ ચોપડિયો

સ્થાનિક લોકોએ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પર નિશાન તાકતા કહ્યું હતું કે, ધારાસભ્યએ અગાઉ વિડીયો બનાવીને જાહેર જનતાને સંબોધીને કહ્યું હતું કે, ખોટા કામ થતા હોય તો મને કહેજો, તુરંત એની સામે એક્શન લેવાશે. એ મુજબ સ્થાનિકોએ તેમણે આ રોડ મુદ્દે ચારેક વખત રજુઆત કરી હતી અને ધારાસભ્યને ચારેક વખત તેમના તે વિસ્તારમાં મુલાકાતે લઈ આવી રોડના નબળા કામથી અવગત કર્યા હતા. એટલું જ નહીં એકવાર સ્થાનિકોના કહેવાથી મ્યુનિ. કમિશનર પણ તે વિસ્તારમાં રોડની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યા બાદ કોઈ કાર્યવાહી ન કરતા આજે તંત્રને ઢંઢોળવા રસ્તા રોકો આંદોલન કરવું પડ્યું હતું.


 

લોકપર્ણ પહેલા જ નવા રોડ ઉપર ભ્રષ્ટાચારના ગાબડા પડયાનો આક્ષેપ