ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની ‘શતસુભાષિતપંડિતઃ’ યોજનાને ધ્યાનમાં રાખી યોજાયેલા વર્ગમાં 12થી 80 વર્ષની વયના 30થી વધુ લોકો જોડાયા
મોરબી : ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગર દ્વારા વર્ષ 2025થી સંપૂર્ણ ભગવદ્ ગીતા કંઠસ્થ કરનારને ‘ગીતાભૂષણઃ’ તેમજ 100 સંસ્કૃત સુભાષિત યાદ કરનારને ‘શતસુભાષિતપંડિતઃ’ એવોર્ડ એનાયત કરવામાં આવે છે. આ યોજનાને ધ્યાનમાં રાખી મોરબીથી મે-2026ના વેકેશન દરમિયાન ગૂગલ મીટ મારફતે 100 સુભાષિત શીખવવા માટે ઓનલાઈન અભ્યાસવર્ગ શરૂ કરવામાં આવ્યો હતો. બે મહિનાના અભ્યાસ બાદ 17 સહભાગીઓએ 100 સુભાષિત કંઠસ્થ કરીને અભ્યાસ પૂર્ણ કરીને જ્વલંત સિદ્ધિ મેળવી છે.
મોરબીની ધી વી સી ટેકનિકલ હાઈસ્કૂલમાં સંસ્કૃત વિષય સાથે સંકળાયેલા ધવલભાઈ ખાંડેકાએ સંસ્કૃતના અભ્યાસ વર્ગનું આયોજન કર્યું હતું. તેઓને અગાઉ રાજ્યકક્ષાએ ‘ગીતાભૂષણઃ’ અને ‘શતસુભાષિતપંડિતઃ’ એવોર્ડ પ્રાપ્ત થયા બાદ વધુ લોકો આ યોજનામાં જોડાય તે હેતુથી આ પહેલ કરવામાં આવી હતી.
પ્રથમ બેચમાં 30થી વધુ સહભાગીઓ જોડાયા હતા. તેમાં 12 વર્ષથી લઈને 80 વર્ષ સુધીની વયના વિદ્યાર્થીઓ, શિક્ષકો, કોલેજ સાથે સંકળાયેલા લોકો તેમજ વિવિધ ક્ષેત્રના સદગૃહસથોએ માત્ર બે મહિનાના અભ્યાસના 100 સુભાષિત યાદ કર્યા હતા.
અભ્યાસ વર્ગમાં સુરતથી સુરેશભાઈ ગાંધી, અમિતાબેન શુક્લા, હિરણ્યાબેન શુક્લા, શીતલબેન મુનીમ, અનસૂયાબેન શાહ અને મુસ્કાન શાહ, અમદાવાદથી જાગૃતિબેન ઠાકર અને રેની પંચાલ, રાજકોટથી ગીતાબેન પટવારી, જ્યોત્સનાબેન આભાણી, સેજલ ચૌહાણ અને ફાતેમા પ્રેસવાલા, બોટાદથી ચંદન ચૌહાણ, તેજલ ચૌહાણ, અક્ષિતા ચૌહાણ, દીપિકા ચૌહાણ, રિદ્ધિ રાઠોડ અને પૂજા રાઠોડ, મોરબીથી દ્રષ્ટિ ત્રિવેદી અને દૂર્વા વરણવા, ડાકોરથી આરાધ્યા રાજગોર તેમજ મુંબઈથી હિશા જોશી સહિતના સહભાગીઓ જોડાયા હતા. આ અભ્યાસ વર્ગ પૂર્ણ કરનારા સહભાગીઓ આ વર્ષે યોજાનારી રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લઈને ‘શતસુભાષિતપંડિતઃ’ ડિગ્રી મેળવવા માટે પ્રયાસ કરશે.