બ્રહ્માકુમારીઝ અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આયોજન; મેયર ઉત્તમ સુરાણી, ડેપ્યુટી મેયર ચિરાગ રાનપરિયા અને સ્ટેન્ડિંગ ચેરમેન જયંતી પડસુંબિયા સહિત પદાધિકારીઓ રહ્યા ઉપસ્થિત
મોરબી : પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય, મોરબી સેવા કેન્દ્ર અને મોરબી મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે શુક્રવારે મહાનગરપાલિકાના નવા એમએમસી ભવન ખાતે 'કર્મયોગ દ્વારા સશક્ત ભારત' વિષય પર પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો હતો. રાષ્ટ્રના નવનિર્માણમાં આધ્યાત્મિક મૂલ્યો, સેવાભાવ અને કર્તવ્યનિષ્ઠાની ભૂમિકા ઉજાગર કરવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત કાર્યક્રમમાં મહાનગરપાલિકાના પદાધિકારીઓ, કોર્પોરેટરો અને આમંત્રિત મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની અધ્યક્ષતા મેયર ઉત્તમ સુરાણીએ કરી હતી. આ પ્રસંગે ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાનપરિયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતીભાઈ પડસુંબિયા સહિત મહાનગરપાલિકાના અનેક અગ્રણી કોર્પોરેટરો અને આમંત્રિતોએ હાજરી આપી હતી. કાર્યક્રમની શરૂઆત બ્રહ્માકુમારીઝના બહેનો અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી.
બ્રહ્માકુમારીઝના વક્તા બહેનોએ 'કર્મયોગ'ના સિદ્ધાંત અંગે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, જ્યારે દેશનો દરેક નાગરિક તેમજ જનપ્રતિનિધિ પોતાના કાર્યક્ષેત્રમાં નિષ્ઠા, જવાબદારી અને સેવાભાવ સાથે કર્તવ્યનું પાલન કરે છે ત્યારે જ સાચા અર્થમાં કર્મયોગ સાકાર બને છે અને તેનાથી સશક્ત ભારતના નિર્માણને વેગ મળે છે. જાહેર જીવનમાં આધ્યાત્મિક મૂલ્યો અને સકારાત્મક વિચારસરણી અપનાવવાથી સમાજમાં પણ રચનાત્મક પરિવર્તન લાવી શકાય તેમ હોવાનું તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે મેયર ઉત્તમ સુરાણી તેમજ ઉપસ્થિત અન્ય પદાધિકારીઓએ બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા સમાજમાં આધ્યાત્મિક જાગૃતિ અને વિવિધ સામાજિક ક્ષેત્રે કરવામાં આવી રહેલી પ્રવૃત્તિઓને બિરદાવી હતી. સાથે જ મહાનગરપાલિકાના નવા ભવન ખાતે યોજાયેલી આ સકારાત્મક પહેલને આવકારી સમાજમાં મૂલ્યનિષ્ઠા અને સેવાભાવનો સંદેશ વધુ વ્યાપક બને તેવી આશા વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત કોર્પોરેટરો અને મહાનુભાવોએ પણ કર્મયોગના સંદેશને જીવન અને જાહેર સેવા સાથે જોડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.