હેન્દ્રનગરમાં નિઃશુલ્ક આરોગ્ય તપાસ, તબીબી માર્ગદર્શન અને દવાઓનું વિતરણ કરાશે
મોરબી : એલોપથી અત્યાધુનિક તબીબી સારવાર પદ્ધતિઓ નવીન સ્તરે સતત વિકસી રહી હોય લોકો માટે અસરકારક હોય છતાં હોમિયોપેથી પ્રત્યે લોકોનો વિશ્વાસ યથાવત જોવા મળે છે. લાંબા ગાળાના કેટલાક રોગોમાં શરીરની પ્રતિકારક શક્તિ વધારવા, ઓછી આડઅસર સાથે સારવાર મેળવવાની માન્યતા તેમજ દર્દી કેન્દ્રિત અભિગમને કારણે અનેક લોકો હોમિયોપેથી તરફ વળી રહ્યા હોવાથી આજ હેતુ સાથે મોરબીમાં આવતીકાલે નિઃશુલ્ક હોમિયોપેથી આરોગ્ય તપાસ અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબીના મહેન્દ્રનગર ખાતે રામધન આશ્રમ સામે આવેલી ક્રાંતિ જ્યોત સોસાયટીમાં આવતીકાલે 16 જુલાઈ (ગુરુવાર)ના રોજ સવારે 9થી બપોરે 12 વાગ્યા સુધી યોજાનારા આ હોમીઓપેથી કેમ્પનું આયોજન આર્યતેજ હોમિયોપેથીક મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યું છે. કેમ્પમાં અનુભવી હોમિયોપેથીક તબીબો દર્દીઓની આરોગ્ય તપાસ કરી જરૂરી માર્ગદર્શન આપશે તેમજ જરૂરિયાત મુજબ નિઃશુલ્ક હોમિયોપેથીક દવાઓ પણ આપવામાં આવશે.
તબીબી ક્ષેત્રના જાણકારોના જણાવ્યા મુજબ હોમિયોપેથી માત્ર રોગની સારવાર પૂરતી મર્યાદિત નથી, પરંતુ દર્દીની શારીરિક અને માનસિક સ્થિતિને ધ્યાનમાં રાખીને સારવાર આપવામાં આવે છે. એલર્જી, વારંવાર થતી શરદી-ઉધરસ, ચામડીના કેટલાક રોગો, સાંધાના દુખાવા અને કેટલીક લાંબા ગાળાની તકલીફોમાં અનેક લોકો હોમિયોપેથી સારવારનો વિકલ્પ પસંદ કરતા જોવા મળે છે. જોકે ગંભીર અથવા તાત્કાલિક સારવારની જરૂર હોય તેવા સંજોગોમાં આધુનિક તબીબી સારવાર જરૂરી બની શકે છે અને દર્દીએ હંમેશા લાયકાત પ્રાપ્ત તબીબની સલાહ અનુસાર સારવાર લેવી જોઈએ. તેથી આ કેમ્પમાં ખાસ કરીને બાળકો, મહિલાઓ, વડીલો તેમજ તમામ ઉંમરના નાગરિકો લાભ લઈ શકશે. આયોજક સંસ્થાએ મોરબી અને આસપાસના વિસ્તારના લોકોને આ નિઃશુલ્ક આરોગ્ય સેવાનો લાભ લેવા અપીલ કરી છે.