'મુસ્કાને 9થી 14 વર્ષની દત્તક લીધેલી કિશોરીઓનું રસીકરણ કરી સર્વાઇકલ કેન્સર સામે સમયસરનું રક્ષણ આપવા પહેલ કરી
મોરબી : મહિલાઓમાં અત્યારે સૌથી વધુ જોવા મળતા કેન્સરમાં સર્વાઇકલ કેન્સરનું પ્રમાણ ચિંતાજનક માનવામાં આવે છે. ખાસ કરીને કિશોરી અવસ્થામાં સમયસર અપાતી HPV રસી ભવિષ્યમાં આ ગંભીર બીમારી સામે અસરકારક રક્ષણ પૂરું પાડે છે. આ જાગૃતિના ભાગરૂપે મોરબીમાં મુસ્કાન સંસ્થાએ 9થી 14 વર્ષની 30 કિશોરીઓને દત્તક લઈ HPV રસીનો બીજો ડોઝ વિનામૂલ્યે આપીને ભવિષ્યમાં આ ગંભીર બીમારી સામે અસરકારક રક્ષણ પૂરું પાડ્યું છે.
મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા અગાઉ 30 કિશોરીઓને સર્વાઇકલ કેન્સર નિવારણ માટે દત્તક લેવામાં આવી હતી. કિશોરીઓને સર્વાઈકલ કેન્સર સામે રક્ષણ આપવાના હેતુસર દત્તક લીધેલી આ દીકરીઓને અગાઉ પ્રથમ રસીનો ડોઝ આપવામાં આવ્યો હતો, જ્યારે હવે નિર્ધારિત સમયગાળા પૂર્ણ થતાં તમામ 30 કિશોરીઓને HPV રસીનો બીજો ડોઝ પણ વિનામૂલ્યે અપાયો છે. મુસ્કાન સંસ્થાના અંગ્રણી રંજનાબેન સારડાએ જણાવ્યું હતું કે, તબીબી નિષ્ણાતોના અભિપ્રાય મુજબ 9થી 14 વર્ષની ઉંમરે કિશોરીઓને અપાતી HPV રસી સર્વાઇકલ કેન્સરનું જોખમ નોંધપાત્ર રીતે ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. સમયસર રસીકરણ થવાથી ભવિષ્યમાં ગંભીર આરોગ્ય સમસ્યાઓ સામે રક્ષણ મળી શકે છે. તેથી વાલીઓએ પોતાની દીકરીઓના HPV રસીકરણ અંગે જાગૃત રહેવું જરૂરી છે. તે અંગે કિશોરીઓ તેમજ વાલીઓને અસરકારક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા આરોગ્ય, શિક્ષણ અને સામાજિક ક્ષેત્રે સમયાંતરે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. આ પહેલ પણ કિશોરીઓના આરોગ્ય સુરક્ષા તરફના પ્રયાસના ભાગરૂપે કરવામાં આવી હતી.