રૂ..17 હજાર ટ્રાન્સફર કરાવ્યા બાદ ચાર્જ માંગતાં શખ્સ ઉશ્કેરાયો, ગળા, માથા, પાંસળી, કાંડા, વાંસા અને ખભા પર છરીના ઘા ઝીંકી જાનથી મારી નાખવાની ધમકી આપી
મોરબી : મોરબીના લીલાપરથી નવાગામ જવાના માર્ગ પર આવેલી મોબાઇલની દુકાનમાં એક શખ્સે રૂ. 17 હજાર પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા બાદ આ મની ટ્રાન્સફરના ચાર્જ રૂપે માત્ર 170નો ચાર્જ ચૂકવવાનો વારો આવતા તેના મગજમાં જાણે ખૂનન્સ સવાર થયું હોય એમ આટલી નાની રકમનો ચાર્જ ચૂકવાને બદલે માથાકૂટ કરી ઉશ્કેરાઈને રીતસર મારી નાખવાના ઇરાદે ઉતરી આવ્યો હોય એમ આ શખ્સ દુકાનદાર વેપારી પર પર છરી વડે તૂટી પડ્યો હતો. આ શખ્સે વેપારીના માથા, પાંસળી, વાંસા, કાંડા અને ખભાના ભાગે એમ આડેધડ છરીથી ગંભીર ઇજાઓ પહોંચાડતા તેમને ગંભીર હાલતમાં જ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. માત્ર રૂ.170નો ચાર્જ ચુકવવાની માથાકૂટ લોહિયાળ હુમલામાં ફેરવાઈ હતી.
મૂળ બિહારના વતની અને હાલમાં મોરબીના વાવડી રોડ પર આવેલી ગાયત્રીનગર સોસાયટી, શેરી નં. 7માં રહેતા મુરારીકુમાર ભોગેન્દ્ર શર્મા (ઉ.વ. 24) નામના યુવાને મોરબી તાલુકા પોલીસ મથકે આરોપી વિશાલભાઈ બાબુભાઈ જોગડીયા (રહે. લખધીરનગર મોરબી) સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ મોરબીના લીલાપરથી નવાગામ તરફ જવાના રસ્તા પર કારખાનાઓ સામે આવેલા ગણેશ કોમ્પ્લેક્સમાં તેમની 'કૃષ્ણા મોબાઇલ એન્ડ ફેશન' નામની દુકાન આવેલી હોય તેઓ દુકાને હતા. ત્યારે આરોપી વિશાલભાઈ જોગડીયાએ તેમની દુકાને મની ટ્રાન્સફર્ માટે આવ્યો હતો અને આરોપીએ પોતાના ખાતામાં રૂ.17 હજાર મની ટ્રાન્સફર કરાવ્યા હતા અને તેના બદલામાં ફરિયાદીને રોકડા રૂ.17 હજાર આપ્યા હતા. પરંતુ ફરિયાદી તેની પાસે આ મની ટ્રાન્સફરની સેવાના રૂ. 170 ચાર્જ માંગતા જ આરોપી ઉશ્કેરાઈ ગયો હતો. બોલાચાલી દરમિયાન તેણે પોતાના કબજામાં રહેલી છરી કાઢી ફરિયાદી પર હુમલો કરી ગળાની પાછળના ભાગે, વાંસા, પાંસળી, કાંડા, માથા અને ખભા પર આડેધડ ઘા ઝીંક્યા હતા. હુમલા બાદ આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આથી લોહીલુહાણ હાલતમાં મુરારીકુમાર શર્માને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર પૂર્ણ થયા બાદ તેમણે મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાના પ્રયાસ, ધમકી અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા માટે તપાસ અને શોધખોળ શરૂ કરી છે.