15 મહિલાઓ સહિત ખેડૂતોનો ઉપવાસ, ત્રણ ગામના 400થી વધુ લોકોનો ટેકો; બહારગામથી આવતા લોકો માટે રસોડું શરૂ કરાયું
મોરબી : મોરબીના જેતપર ગામે વીજપોલના વળતરના મુદ્દે ખેડૂતો દ્વારા ચાલી રહેલું સત્યાગ્રહ દિવસેને દિવસે વધુ વેગ પકડી રહ્યું છે. શુક્રવારે યોજાયેલા પ્રતીક ઉપવાસમાં 15 મહિલાઓ સહિત કુલ 26 ખેડૂતો ઉપવાસ પર બેઠા હતા. બીજી તરફ નાના દેવળીયા, મોટા દેવળીયા અને ગોકુળીયા ગામમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો અને ગ્રામજનો સત્યાગ્રહ છાવણીમાં પહોંચતા આંદોલનને વધુ બળ મળ્યું હતું.
સત્યાગ્રહ છાવણીમાં શુક્રવારે અંદાજે 400થી વધુ ખેડૂતો અને ગ્રામજનોએ હાજરી નોંધાવી હતી. આંદોલન દરમિયાન ધૂનનો કાર્યક્રમ પણ યથાવત રાખવામાં આવ્યો હતો. બહારગામથી સત્યાગ્રહને ટેકો આપવા આવતા લોકોની સંખ્યા વધતા આજથી તેમના માટે રસોડાની પણ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી પ્રતીક ઉપવાસનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.
સત્યાગ્રહ સમિતિના સભ્ય નીકેત પંચાસરાએ જણાવ્યું હતું કે, સત્યાગ્રહ શરૂ થયો ત્યારથી દરરોજ ગામના 20થી 25 લોકો પ્રતીક ઉપવાસમાં જોડાય છે. જોકે આજે આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેતા આંદોલનને વધુ વ્યાપક સમર્થન મળ્યું છે. ખેડૂતોનો દાવો છે કે, વળતરના પ્રશ્ને યોગ્ય નિર્ણય ન આવે ત્યાં સુધી સત્યાગ્રહ અને પ્રતીક ઉપવાસ યથાવત ચાલુ રહેશે.