ડોકટર પત્નીએ પૈસા આપવાનું બંધ કરતા નોટરી મારફતે ત્રણ તલાકના કાગળો મોકલ્યા
વાંકાનેર : વાંકાનેર રહેતા ખોજા પરિવારના મહિલા તબીબે પતિને પૈસા આપવાનું બંધ કરતા મુંબઈ રહેતા પતિએ પત્નીની મરજી વિરુદ્ધ નોટરી મારફતે અલગ અલગ ત્રણ તલાક નોટિસ આપતા ડોકટર પત્નીએ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે મુસ્લિમ મહિલા લગ્ન અધિકાર રક્ષણના કાયદા અન્વયે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરમાં ખોજાખાના વાળી શેરીમાં માતાપિતા સાથે રહેતા ડો.કેલીનબેન રહીમભાઈ હુંદા ઉ.36 નામના મહિલાએ હાલમાં મુંબઈ રહેતા મૂળ સુરેન્દ્રનગરના આરોપી પતિ રહીમભાઈ રફીકભાઈ હુંદા વિરુદ્ધ મુસ્લિમ મહિલા અધિકાર રક્ષણ કાયદા મુજબ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેઓએ તેમના પતિને પૈસા આપવાનું બંધ કરતા નોટરી મારફતે ત્રણ તલાક મોકલ્યા હતા. હાલમાં ડો.કેલીનબેનને સંતાનના એક દીકરી હોવાનું અને સમાજ મારફતે સમાધાનના પ્રયાસ કરવા છતાં પતિએ નોટરી મારફતે તલાક મોકલ્યા હોય વાંકાનેર કોર્ટમાં પણ આ બાબતે કેસ કર્યો હોવાનું સામે આવ્યું છે. હાલમાં વાંકાનેર સીટી પોલીસે ડો.કેલીનબેનની ફરિયાદને આધારે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.