Saturday - Jul 11, 2026

મોરબીના નીચીમાંડલ ગામને એક્સપ્રેસ-વોલ્વો બસ સ્ટોપની રાહ

મોરબીના નીચીમાંડલ ગામને એક્સપ્રેસ-વોલ્વો બસ સ્ટોપની રાહ

મોરબી-અમદાવાદ રૂટની એસ.ટી. બસો ગામે ઉભી ન રહેતાં રોજિંદા મુસાફરો અને શ્રમિકો પરેશાન; સ્ટોપેજ આપવા તંત્ર સમક્ષ રજૂઆત

મોરબી : મોરબી-અમદાવાદ રૂટ પર દોડતી એસ.ટી.ની એક્સપ્રેસ અને વોલ્વો બસો મોરબીના નીચી માંડલ ગામે સ્ટોપ ન લેતી હોવાથી ગામના મુસાફરો તેમજ આસપાસના વિસ્તારોમાં રહેતા શ્રમિકોને રોજિંદી અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને રોજગારી, અભ્યાસ, સારવાર અને અન્ય જરૂરી કામો માટે અમદાવાદ તેમજ અન્ય શહેરોમાં જતા લોકો માટે સીધી બસ સેવા ઉપલબ્ધ ન હોવાથી સમય અને ખર્ચ બંનેમાં વધારો થઈ રહ્યો છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખી ગામે એક્સપ્રેસ અને વોલ્વો બસોનું સ્ટોપેજ શરૂ કરવાની માંગ ઉઠી છે.

મોરબી તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પુષ્પાબેન સોલંકી દ્વારા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસ.ટી.) તેમજ મોરબી જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવાયું છે કે નીચીમાંડલ ગામ તથા આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં શ્રમિકો અને નિયમિત મુસાફરી કરતા લોકો વસવાટ કરે છે. તેમ છતાં મોરબી-અમદાવાદ રૂટની એક્સપ્રેસ અને વોલ્વો બસો અહીં સ્ટોપ ન લેતાં લોકોને અન્ય સ્થળે જઈ બસ પકડવાની ફરજ પડે છે.

રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે જો નીચીમાંડલ ગામે એક્સપ્રેસ અને વોલ્વો બસોનું સત્તાવાર સ્ટોપેજ મંજૂર કરવામાં આવે તો ગામ સહિત આસપાસના વિસ્તારોના હજારો મુસાફરોને સીધો લાભ મળશે અને રોજિંદી અવરજવરની મુશ્કેલીઓમાં નોંધપાત્ર ઘટાડો થશે. તેથી સ્થાનિકોની સુવિધા અને જાહેર હિતને ધ્યાનમાં રાખીને તાત્કાલિક હકારાત્મક નિર્ણય લેવા માંગ કરવામાં આવી છે.