Saturday - Jul 11, 2026

મોરબીના જોધપર અને રામપર નજીક અલગ અલગ અકસ્માતમાં બેના મોત

મોરબીના જોધપર અને રામપર નજીક અલગ અલગ અકસ્માતમાં બેના મોત

બંને અકસ્માતમાં ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારી અકસ્માત સર્જ્યો

મોરબી : મોરબી તાલુકા પોલીસ મથકની હદમાં બે અલગ અલગ માર્ગ અકસ્માતની ઘટનામાં બે વ્યક્તિના અકાળે મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે.જેમાં બે અકસ્માતમાં બે ટ્રક ચાલકો બેદરકારીથી પોતાના ટ્રક ચલાવી બે બાઈક ચાલકને હડફેટે લેતા ગંભીર ઇજા થવાથી બન્નેન મોત નિપજયા હતા આ બંને અકસ્માતના બનાવમાં તાલુકા પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

અકસ્માતના પ્રથમ બનાવમાં મોરબી માળીયા નેશનલ હાઇવે પર રામપર ગામના પાટિયા પાસે વીર તેજાજી હોટલ નજીક જીજે - 36 - વી - 4360 નંબરના ટ્રક ચાલકે પુરપાટ ઝડપે ટ્રક ચલાવી જીજે - 36 - ડી - 1681 નંબરનું બાઈક લઈને આગળ જઈ રહેલા મનસુખભાઇ મોતીભાઈ બોસિયા રહે.પીપળી, શિવપાર્ક સોસાયટી વાળાઓને હડફેટે લઈ અકસ્માત સર્જતાં મનસુખભાઈને ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મૃતકના ભાઈ મોહનભાઇ મોતીભાઈ બોસિયાએ અકસ્માત સર્જી નાસી ગયેલા ટ્રક ચાલક વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જ્યારે બીજા બનાવમાં મોરબીના જોધપર નદી ગામના ઝાપા પાસે જીજે - 10 - ટીવી - 3812 નંબરના ટ્રક ચાલકે બેદરકારીથી પોતાનો ટ્રક ચલાવી જીજે - 36 - એમ - 8717 નંબરનું બાઈક લઈને જઈ રહેલા રમેશભાઈ ગાંડુભાઈ અજાણા ઉ.52 રહે.જોધપર નદી ગામ વાળાને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મૃતકના પુત્ર સાગરભાઈ રમેશભાઈ અજાણાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.