ગ્રામ્ય વિસ્તારમાં પરપ્રાંતીય ખેત મજૂર મહિલા પર સામૂહિક દુષ્કર્મ કેસમાં અગાઉ એક બાળ કિશોર અને ત્રણ આરોપીઓ બાદ હવે મુખ્ય આરોપી LCBના હાથે ઝડપાયો; ગુનામાં વપરાયેલ બાઈક અને મોબાઈલ કબજે
મોરબી : મોરબી તાલુકાના બે અલગ અલગ ગ્રામ્ય વિસ્તારની સીમમાં પરપ્રાંતીય ખેતમજૂરોને લૂંટના ઈરાદે નિશાન બનાવી બે અલગ-અલગ સ્થળે મહિલાઓ પર સામૂહિક દુષ્કર્મ આચરવાના રાજ્યભરમાં ચર્ચાસ્પદ બનેલા જઘન્ય ગુનાના મુખ્ય સૂત્રધારને આખરે મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ ઝડપી પાડ્યો છે. અગાઉ આ જ ગુનામાં ત્રણ આરોપી અને કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોરને ઝડપી લેવામાં આવ્યા હતા, જ્યારે મુખ્ય આરોપી સતત પોલીસને સતત ચકમો આપી ફરાર હતો. પરંતુ પોલીસે પણ સતત બાતમીદારોને કામે લગાડીને શોધખોળ કરતા આખરે પોલીસની ચકોર નજરની રડારમાં એ અપરાધી આબાદ સપડાઈ ગયો છે.
બનાવ મુજબ તા. 4 જૂન, 2026ના રોજ રાત્રે આશરે 10:30 વાગ્યે મોરબી નજીક આવેલા એક ગામની સીમમાં અને ત્યારબાદ તા. 5 જૂન, 2026ના રોજ વહેલી સવારે આશરે 2 વાગ્યે મોરબીના બીજા એક ગામની સીમમાં પાંચ સભ્યોની ગેંગ છરી અને ધોકા જેવા હથિયારો સાથે પરપ્રાંતીય ખેતમજૂરોની ઝૂંપડીઓમાં ત્રાટકી હતી. લૂંટના ઈરાદે આવેલા આ શખ્સોને દાગીના ન મળતા આરોપીઓએ આ બન્ને સ્થળે સીમ વિસ્તાર. નિર્જન હોય એકલતાનો ગેરલાભ ઉઠાવી બે ખેત મજૂર મહિલાઓના પતિઓની હાજરીમાં જ છરીની અણીએ સામૂહિક દુષ્કર્મ આચરીને ફરાર થઇ ગયા હતા.
ગેંગરેપના જઘન્ય અપરાધનો મુખ્ય સૂત્રધાર દિનેશ મધુભાઈ જખાનીયા (રહે. માથક, તા. હળવદ, જિ. મોરબી) ગુનો આચર્યા બાદ સતત ઠેકાણા બદલતો રહ્યો હતો અને પોલીસથી બચવા માટે અલગ-અલગ સ્થળોએ આશરો લઈ રહ્યો હતો. જોકે LCB અને પેરોલ-ફર્લો સ્ક્વોડને ખાનગી બાતમી મળી હતી કે આરોપી મોટરસાયકલ પર ધ્રોલથી ભાદરા પાટિયા થઈ આમરણ તરફ આવવાનો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીના કબજામાંથી રૂ. 5 હજારનો મોબાઈલ ફોન તેમજ ગુનામાં વપરાયેલ GJ-36-AB-5694 નંબરનું મોટરસાયકલ સહિત કુલ રૂ. 20 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બાદમાં આરોપીને વધુ કાર્યવાહી માટે મોરબી તાલુકા પોલીસને સોંપવામાં આવ્યો છે.
પોલીસ તપાસમાં આરોપીનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. તેના વિરુદ્ધ વાંકાનેર અને ધ્રાંગધ્રા તાલુકામાં પણ ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે. આ બનાવ બાદ પોલીસે ખેડૂતો અને વાડી માલિકોને પરપ્રાંતીય ખેતમજૂરોની સુરક્ષા માટે જરૂરી વ્યવસ્થા ઊભી કરવા, મજબૂત દરવાજાવાળા રહેણાંકની સુવિધા આપવા, સીમ વિસ્તારમાં અજાણ્યા લોકો પર નજર રાખવા તેમજ CCTV કેમેરા લગાવવા તાકીદ કરી છે.
બે ગેંગરેપની ઘટનાથી ખેતમજૂર મહિલાઓની સુરક્ષા સામે સવાલ
જેતપર અને ચકમપર ગામની સીમમાં ઉપરાઉપરી બનેલી બે સામૂહિક દુષ્કર્મની ઘટનાઓએ મોરબી આસપાસના ખેતરો અને વાડીઓમાં રહીને ખેતીકામ કરતા પંચમહાલ, ગોધરા, છોટાઉદેપુર સહિતના વિસ્તારોમાંથી આવેલા સેંકડો પરપ્રાંતીય ખેતમજૂરોમાં ભારે ફફડાટ ફેલાવ્યો છે. મોટાભાગના ખેતમજૂરો પતિ-પત્ની અને નાના બાળકો સાથે ખેતરની વચ્ચે આવેલી કાચી ઝૂંપડી અથવા ઓરડીમાં રહે છે. આસપાસ માનવ વસાહત ન હોવાથી આવા પરિવારો ગંભીર ગુનાઓ માટે સૌથી સરળ નિશાન બની રહ્યા છે. દિવસભર ખેતરમાં મહેનત કરનાર આ પરિવારોની રાત્રિ દરમિયાન સલામતી આજે પણ મોટો પ્રશ્ન બની રહી છે.
માત્ર મજૂરી નહીં, સુરક્ષાની જવાબદારી પણ ઉઠાવો
ખેતમજૂરોને કામે રાખનારા વાડી માલિકો અને મોટા ખેડૂતો માત્ર મજૂરીના કામ સુધી પોતાની જવાબદારી મર્યાદિત રાખે છે, પરંતુ તેઓ જ્યાં રહે છે ત્યાં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા ભાગ્યે જ જોવા મળે છે. મજૂરોના મજબૂત દરવાજાવાળા ઓરડા, આસપાસ લાઇટિંગ, એલાર્મ જેવી વ્યવસ્થા, CCTV કેમેરા અથવા ગામલોકોને તાત્કાલિક જાણ થઈ શકે તેવી કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે ગુનેગારોને મોકળું મેદાન મળી રહે છે. બીજી તરફ સીમ વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ પણ નિયમિત થતું ન હોવાના આક્ષેપો વચ્ચે પરપ્રાંતીય મહિલા ખેતમજૂરોની સુરક્ષા રામભરોસે હોવાની ચર્ચા ઉઠી છે. તાજેતરમાં બનેલી બે જઘન્ય ઘટનાઓ બાદ હવે ખેડૂતો, વાડી માલિકો, ગ્રામજનો અને પોલીસ તંત્ર દ્વારા સંયુક્ત રીતે સુરક્ષાની કાયમી વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.