મતદાન શરૂ થતાં જ બુથ ઉપર મતદારો ઉત્સાહભેર લોકશાહીનું પર્વ મનાવવા ઉમટી પડયા
મોરબી : મોરબી જિલ્લામાં આજ રોજ સવારથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે. લોકો લોકશાહીના આ પર્વમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે અને મતદાન મથકો પર મતદારોની કતારો જોવા મળી રહી છે. જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન માટે સઘન બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
મોરબી જિલ્લા પંચાયત, 5 તાલુકા પંચાયત, 3 નગરપાલિકા અને મોરબી મહાનગરપાલિકા માટે હાલમાં મતદાન ચાલી રહ્યું છે. આ ચૂંટણીમાં જિલ્લાના કુલ 739503 મતદારો મેદાનમાં રહેલા 246 ઉમેદવારોનું રાજકીય ભાવિ ઈવીએમમાં કેદ કરશે. જિલ્લાના કુલ 544 મતદાન લોકેશન પર 857 બૂથ કાર્યરત છે. ચૂંટણી પ્રક્રિયા સરળતાથી પાર પડે તે માટે 4285 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ 102 ઝોનલ ઓફિસરો પોતાની ફરજ બજાવી રહ્યા છે. આ ઉપરાંત મતદાન મથકો પર દિવ્યાંગ મતદારો માટે વ્હીલચેર તેમજ પીવાના પાણી અને તડકાથી બચવા છાંયડા સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. મતદાન મથકોની સુરક્ષા માટે 1 એસપી, 4 ડીવાયએસપી, 15 પીઆઈ, 45 પીએસઆઈ મળીને કુલ 2000 જેટલા હથિયારધારી અને બિનહથિયારધારી જવાનો ખડેપગે છે. આ સાથે જ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 5 ક્યુઆરટી ટીમો અને 52 સેક્ટર મોબાઈલ વાહનો દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને મતદાન શરૂ થતા બુથ ઉપર ધીમીધીમે મતદારો લોકશાહીનું પર્વ મનાવવા ઉમટી રહ્યા છે.