ભુલા પડેલા વૃદ્ધાનું પરિવાર સાથે મેળાપ કરાવતી અભયમ ટિમ
મોરબી : મોરબીમાં ઉંમરના કારણે વારંવાર ભૂલી જવાની તકલીફ ધરાવતા વૃધ્ધા ઘેરથી નીકળ્યા બાદ ભૂલા પડી જતા જાગૃત નાગરિકે અભયમ ટીમને જાણ કરતા 181 ટીમ અભયમે આ વૃધ્ધાનું પરિવાર સાથે મિલન કરાવ્યુ હતું.
મોરબી 181 અભય મહિલા હેલ્પલાઇનમાં એક જાગૃત નાગરિકે કોલ કરી જાણકારી આપી હતી કે,એક અજાણ્યા વયોવૃદ્ધ માજી મળી આવેલ છે અને તેમને મદદની જરૂર છે.કોલ મળતા જ 181 ટીમના કાઉન્સેલર સેજલબેન પટેલ, મહિલા કોન્સ્ટેબલ ખ્યાતીબેન તથા પાયલોટ દેવકરણભાઈ ગઢવી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સ્થળ પર હાજર જાગૃત નાગરિક કે જણાવેલ કે આ વયોવૃદ્ધ માજી ઘણા સમયથી એકલા આટા ફેરા કરતા હોય અને પોતાનું ઘર ભૂલી ગયેલ છે.અભયમ ટીમે વડીલને આશ્વાસન આપી સંવેદનશીલતાપૂર્વ કાઉન્સિલિંગ કરતા તેઓ ક્યાં રહે છે અને ક્યાંથી આવ્યા છે તે જાણવાના પ્રયત્નો કરેલ પરંતુ વધુ ઉંમર હોવાના કારણે તેઓ સ્પષ્ટ માહિતી આપી શક્યા ન હતા.
જો કે, અભયમ ટીમે સતત પ્રયત્નોના અંતે તેમના પરિવારનો સંપર્ક કરવામાં સફળતા મેળવી હતી અને વૃદ્ધ મહિલાને સુરક્ષિત રીતે તેમના પરિવારને સોંપ્યા હતા. પરિવારે જણાવેલ કે માજીની ઉંમર વધુ હોવાના કારણે તેઓ વારંવાર ભૂલી જવાની તકલીફ ધરાવે છે અને આ તકલીફમાં જ ઘરેથી અચાનક નીકળી ગયેલ હતા.જો કે, પરિવારે આજુબાજુના વિસ્તારમાં પૂછપરછ કરવાની સાથે સવારથી શોધખોળ શરૂ કરી હતી પરંતુ ક્યાંય ભાળ મળી ન હતી. ટીમ દ્વારા તેમના પરિવારને માજીની યોગ્ય સંભાળ રાખવા અને કાળજી રાખવા માટે સમજાવટ કરતા પરિવારે 181 અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.