Saturday - May 18, 2024

પોલીસના અસહકારથી માળીયાના સરવડ ગામે જાનમાલની રક્ષા માટે ખુદ ગ્રામજનો મેદાને

પોલીસના અસહકારથી માળીયાના સરવડ ગામે જાનમાલની રક્ષા માટે ખુદ ગ્રામજનો મેદાને

મોરબી અને માળીયા સહિત જિલ્લામાં ભર શિયાળે સઘન નાઈટ પેટ્રોલીગને બદલે ગરમ ધાબળામાં પોલીસના નસકોરા સાંભળતા તસ્કરો, ઉઠાવગીરો અને લૂંટારુઓ બેફામ બન્યા છે. એકાદ મહિના કરતા વધુ સમયથી ઠંડી વધવાની સાથે જ સક્રિય થયેલા તસ્કરો, ઉઠાવીગરો, લૂંટારુઓ વારંવાર લોકોની કિંમતી માલમતાને ઉઠાવી જતા હોવાના સતત બનાવો વધવા છતાં પોલીસ નહિ જાગતા લોકોને જાણે પોલીસ પરથી ભરોસો ઉઠી ગયો હોય એમ પોતાની માલ મિલકતની રક્ષા માટે ગ્રામજનો મેદાને આવ્યા છે. અગાઉ એક ગામ બાદ હવે બીજા ગામે પણ રાત્રી પહેરો શરૂ કર્યો છે.

માળીયાના સરવડ ગામે તાજેતરમાં વૃદ્ધ દંપતીને ઢોર માર મારી લૂંટી લીધાની આઘાતજનક ઘટના બહાર આવી હતી. જેમાં સરવડ ગામે એકલા રહેતા અને તેમના પુત્રો  ધંધાર્થે મોરબી રહેતા હોય  ખેતીનો વ્યવસાય કરતા વૃદ્ધ દંપતીમાંથી મહિલા થોડા દિવસો પહેલા મધરાત્રે બાથરૂમ જવા નીકળ્યા કે તરત જ તેમના ઘરમાં મધરાત્રે ત્રાટકેલા ચાર બુકાનીધારી લૂંટારુઓએ  વૃદ્ધ મહિલાને માર મારી સોનાના દાગીના છીનવી લીધા બાદ તેમના સુતેલા પતિ પણ જાગી જતા તેમને પણ માર મારી બંધક બનાવીને કિંમતી માલમતા લૂંટી ગયા હતા. આ બનાવની ફરિયાદ નોંધાયા બાદ પણ હજુ સુધી આરોપીઓ પોલીસની પકડથી દૂર છે. તેથી ગ્રામજનોએ પારકી આશા સદા નિરાશા એ કહેવત અનુસાર પોલીસના આશરે રહેવાને બદલે પોતાની માલ મિલકતની રક્ષા માટે જાતે જ વારાફરતી રાત ઉજાગરા કરવાનું નક્કી કરી અમુક ગ્રામજનોએ રાત્રી પહેરો શરૂ કર્યો છે.

કપાસ વેચ્યો એના પૈસા ક્યાં છે ?

સરવડ ગામે લૂંટનો ભોગ બનનાર વૃદ્ધ ખેડૂતે જણાવ્યું હતું કે, તેમના ઘરમાં ચોરી છુપીથી મધરાત્રે ચાર લૂંટારુઓ બુકાની બાંધીને તેમના ઘર ત્રાટકી અંદર બેસીને તકની રાહ જોતા હોય આ વૃદ્ધ મહિલા બાથરૂમ જવા નીકળતા તરત તેને બે જણા અને બીજા બે જણાએ અમને બન્નેને લમધારી નાખ્યા હતા. જો કે અમારી સાથે આ લૂંટારુંઓ ગુજરાતીમાં અને અંદરોઅંદર હિન્દી ભાષામાં વાત કરતા હતા અને મને કહ્યું હતું કે તમે કપાસ વેચ્યો એના પૈસા ક્યાં છે ? ત્યારે મેં કહ્યું હતું કે, કપાસ વેચ્યો જ નથી એવું કહી ફળિયામાં રહેલા કપાસના ઢગલાને બતાવ્યા હતા. પણ આ ચાર લૂંટારુઓને કપાસની કેવી રીતે ખબર પડી એ બાબત જ જાણભેદુંની સંડોવણી હોવાની શંકા ઉભી કરે છે.