માળિયા તાલુકો હજુ પણ બાબા આદમ યુગમાં જીવતો હોય એમ માળિયા શહેર અને તાલુકા એટલે મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં જન સુવિધાઓની મોટી કમી છે. મોટાભાગના ગામો અનેકવિધ સમસ્યાઓથી પીડિત હોય ત્યારે માળિયા તાલુકાનું એક એવું ગામ કે જ્યાં સુવિધાઓ તમામ પ્રકારની આપવામાં આવી હોય ગ્રામજનોએ પણ વેરો ભરવામાં ભારે ઉત્સાહ દેખાડતા આ ગામમાં 100 ટકા વેરા વસુલાત થઈ છે.
મોરબી કે માળિયા શહેરમાં અત્યાર સુધીમાં કોઈએ પણ એક વર્ષમાં 100 ટકા કરવેરાની વસુલાત થઈ હોય એવું ધ્યાનમાં આવ્યું નથી. પણ કદાચ ગ્રામ્ય વિસ્તારોમાં સુવિધાઓ ન હોવા છતાં તંત્રને આળસ મરડીને પ્રજાલક્ષી કામો કરવા માટે મજબૂર કરવા 100 ટકા કરવેરા ભરવામાં આવે છે. આ કરવેરા ભરવાની ગામના જાગૃત નાગરિક તરીકે ફરજ અદા કરવામાં ઓછું ભણેલા ગ્રામજનોએ પાછીપાની ન કરી હોય એવા એક ગામની સરાહનીય કામગીરી સામે આવી છે. જેમાં માળિયાના લક્ષ્મીવાસ ગામેં વેરો ભરવા ગ્રામજનોએ ભારે ઉત્સાહ, દાખવી 100 ટકા કરવેરા ભર્યા છે.જ્યારે ગામમાં લાઈટ પાણી, વીજળી, સ્કૂલ, આંગણવાડી અને ખેતી ઉપરાંત રોજગારી સહિતની સુવિધાઓથી ગ્રામજનો ભારે સુખી છે અને ગામમાં હાલ સવજીભાઈ ધોળકિયા ફાઉન્ડેશનના દ્વારા તળાવ ઊંડું ઉતારવા માટે હિટાજી મશીન આપેલ છે, તેમાં ડીઝલ નો ખર્ચ ગ્રામજનોની સાથે સંકટ મોચન હનુમાન ટ્રસ્ટ નિમકરોલી બાબા દ્વારા ઉઠાવામાં આવે છે, ગામમાં તળાવ ઊંડું ઉતારવાની કામગીરી ચાલુ છે. તલાટી મંત્રી પ્રથમ પંડ્યાએ છેલ્લા ત્રણ મહિનામાં ઉમદા કામગીરી કરીને 100 ટકા વેરા વસુલાત કરી હોવાનું જણાવ્યું છે.