વાંકાનેર તાલુકાના ગાગીયાવદર ગામેં બીમાર પડે તો સારવાર માટે લોકોને 15 કિમિ દૂર વાંકાનેર કે લૂંણસર ગામે જવા મજબુર બનવું પડે છે. કારણ કે, ગામમા આરોગ્ય કેન્દ્ર નથી. આટલા વર્ષો પછી પણ આરોગ્યની મૂળભૂત સુવિધા ન હોવી એ જવાબદાર તંત્ર માટે શરમજનક છે. આ ગામમાં આરોગ્ય કેન્દ્ર ન હોય ત્યારે ઈમરજન્સી વખતે દર્દીઓના ખૂબ જ બુરા હાલ થાય એમ છે. આથી વહેલાસર ગામમાં આરોગ્ય કેન્દ્ર બનાવવાની માંગ ઉઠી છે.

વાંકાનેર તાલુકા ગાગીયાવદર ગામના સરપંચ નાનુંબેન ધરજિયાના કહેવા મુજબ આ ગામમાં રાજાશાહી વખતનું જૂનું ગામ હોય અને હાલ ગામની વસ્તી 2 હજાર જેટલી હોય અને આ વસ્તીનો મુખ્ય વ્યવસાય ખેતી હોય પણ ખેડૂતો માટે સિંચાઈની સુવિધાઓ ન હોવાથી ગામની ખેતી રામભરોસે એટલે વરસાદ આધારિત છે. વરસાદ પડે ત્યારે ગામની ખેતી હરિભરી રહે અને વરસાદ ન પડે ત્યારે ગામની ખેતી સૂકી ભઠ રહે છે. ગામમાં પ્રાથમિક સ્કૂલ હોય પણ હાલ ઉચ્ચ શિક્ષણ મેળવવાનો જમાનો હોય દીકરીઓ ઉચ્ચ શિક્ષણથી વંચિત ન રહી જાય અને ઘર આંગણે જ સુરક્ષિત વાતાવરણમાં શિક્ષણ આપવા માટે ગામમાં માધ્યમિક સ્કૂલ બનાવવાની ગ્રામજનોની માંગ છે અને ગામની આ દીકરીઓ 8 પછીથી અપડાઉન કારણે શિક્ષણ છોડી દેતી હોય એ દીકરીઓ ભણે એ માટે જ આ માધ્યમિક સ્કૂલની જરૂરત છે. આ ગામના રોડ-રસ્તા 50 ટકા અને ભૂગર્ભ ગટર 50 ટકા અને કચરા નિકાલ માટે શેડ બનાવ્યો હોય એટલે ગામમાં ગંદકીનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી. આ ગામને જોડતા મોળથળા અને લુણસરના રસ્તા કાચા હોય તેને પાકા કરવા અને ગામની મહીનદી ઉપર પુલ બાંધવાની માંગ છે.