Friday - Apr 24, 2026

ઘેટા બકરાની જેમ બાળકોને સ્કૂલ વાનમાં ઠાસોઠાસ ભરી જોખમી સવારીનો વીડિયો વાયરલ

ઘેટા બકરાની જેમ બાળકોને સ્કૂલ વાનમાં ઠાસોઠાસ ભરી જોખમી સવારીનો વીડિયો વાયરલ

મોરબી જિલ્લામાં ઘણા વર્ષોથી ખાનગી સ્કૂલોના ક્રેઝ વચ્ચે મોટી સંખ્યામાં બાળકોને તેમના ઘરેથી પિકઅપ કરી સ્કૂલે પહોંચડતા સ્કૂલ વાનની જોખમી સવારી પ્રકાશમાં આવી છે. જેમાં રીક્ષા અને ઇકો કારમાં બાળકોને જાણે ઘેટા બકરા હોય એમ ઠાંસી ઠાંસીને ભરી સ્કૂલે લઈ જવાતો હોવાનો વીડિયો વાયરલ થયો છે અને બાળકોને સ્કૂલે લઈ જવાની જોખમી સવારીનો વીડિયો હળવદનો હોવાનું કહેવાય છે.

મોરબી જિલ્લામાં અનેક ખાનગી સ્કૂલોમાં દરરોજ સવારે ઘરેથી બાળકોને લઈને કોઈને કોઈ વાહનોમાં પહોંચાડવા આવે છે. જો કે ઘણી સ્કૂલો પોતાની સ્કૂલ વાનમાં બાળકોને શાળાએ લઈ આવવા અને ઘરે પરત મુકવાની કામગીરી કરવામાં આવે છે. પણ ઘણીવાર કોઈ સ્કૂલ દ્વારા આવી વ્યવસ્થા ન હોય તેથી માબાપ જાતે ન પોતાના ખર્ચે બાળકોને સ્કૂલે લઈ જવા અને પરત લઈ આવવા માટે વાહનોની વ્યવસ્થા કરે છે. પણ આવા વાહનોમાં બાળકોની સલામતી નીતિ નિયમો નેવે મૂકીને જોખમી સવારી કરાવાતી હોવાની ગંભીર બાબતને યાથર્થ ઠેરવતી ઘટના સામે આવી છે. જેમાં હળવદમાં આવી જોખમી સવારીનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં રીક્ષા અને ઇકો કાર વિદ્યાર્થીઓને સ્કૂલે લઈ જતી દેખાઈ છે. રોડ ઉપર પસાર થતા આ સ્કૂલ વાન રીક્ષા અને ઇકો કારમાં વિદ્યાર્થીઓને ઠાંસી ઠાંસીને ભરેલા દેખાઈ છે. જો કે જોખમી સવારીથી બેખબર વિદ્યાર્થીઓ સ્કૂલ વાનમાં બેઠાબેઠા જ આનંદની કિલકારીઓ કરતા જોવા મળે છે. સલામતીના નિયમો નેવે મૂકીને બાળકનો જીવ જોખમમાં મુકનાર જવાબદાર વાહન ચાલકો સહિતના સામે સંબધિત તંત્ર કાર્યવાહી કરશે કે કેમ ? કદાચ ન કરે નારાયણ અને આવી જોખમી સવારીની સ્કૂલ વાનને કોઈ અકસ્માત નડે કે અમંગળ ઘટના બને તો જવાબદાર કોણ ?