Friday - Apr 24, 2026

મોરબીવાસીઓની આતુરતાનો અંત :મોરબીને હવે મહાપાલિકા બનાવવાની સરકારની ઘોષણા

મોરબીવાસીઓની આતુરતાનો અંત :મોરબીને હવે મહાપાલિકા બનાવવાની સરકારની ઘોષણા

સીરામીક નગરી તરીકે દેશ અને દુનિયામાં જાણીતા મોરબીમાં વિકાસની તેજ રફતાર માટે મોરબી પાલિકાને મહાપાલિકા રૂપાંતર કરવાનો એક જ ઉપાય હોવાની લાંબા સમયથી ઉધોગકારો, રાજકીય, સામાજિક અને સંસ્થાકીય તેમજ સમગ્ર મોરબીવાસીઓની અપેક્ષા આજે સાકાર થઈ છે. જેમાં રાજ્યના બજેટમાં નાણામંત્રી કનુંભાઈ દેસાઈએ રાજ્યની અન્ય પાલિકા સાથે મોરબીને પણ મહાનગર પાલિકા બનાવવાની સતાવાર જાહેરાત કરતા મોરબીવાસીઓના હૈયામાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.

રાજ્ય સરકારની બજેટમાં આજે નાણામંત્રી કનું દેસાઈએ રાજ્યમાં 7 નવી મહાનગરપાલિકાઓ બનાવવાની આ સાત નગરપાલિકાઓને મહાપાલિકામાં રૂપાંતર કરવાની સતાવાર જાહેરાતમાં મોરબીનો સમાવેશ કર્યો છે. જેમાં તેઓએ અન્ય નગરપાલિકાની જેમ મોરબી નગરપાલિકાને પણ મહાનગરપાલિકા બનાવવાની સતાવાર જાહેરાત કરી હતી. આથી મોરબીવાસીઓમાં હરખનો ફુલોય સમાયો ન હતો. કારણ કે એક દાયકાથી મોરબીને મહાનગરપાલિકા બનાવવાની ઝુંબેશ ચલતી હતી અને દરેક રાજકીય પક્ષના નેતાઓ, સામાજિક કાર્યકરો, સંસ્થાઓ, સીરામીક સહિતના ઉધોગો તેમજ જાગૃત નાગરિકો સહિત મોરબીવાસીઓ લાંબા સમયથી રાજ્ય સરકાર સમક્ષ મોરબીને કોર્પોરેશન બનાવવાની માંગણી કરતા હતા. ખાસ કરીને વસ્તી સહિત તમામ દ્રષ્ટિએ મોરબી મહાપાલિકા બનવા સક્ષમ હોવાનો છેલ્લે જિલ્લા કલેકટરને અહેવાલ મોકલ્યો હતો. મોરબીમાં સમસ્યાઓ એટલી બધી વધી ગઈ છે કે નગરપાલિકા વિકાસ કરવામાં ટૂંકી પડતી હોય તેથી મોરબીનો વિકાસ કરવા મહાપાલિકા જ એકમાત્ર ઉપાય હોવાનો દરેક મોરબીવાસીઓનો સુર આજે સરકારે સાકાર કર્યો છે. તેથી હવે મોરબી મહાપાલિકા બનવાથી વિકાસ ખૂબ જ વધશે અને ટૂંકાગાળામાં મોરબી મેગાસીટીની હરોળમાં આવી જશે તેવી આશા વ્યક્ત કરાઈ છે.