વાંકાનેર : વાંકાનેર શહેરમાં દિવાળીના તહેવાર સમયે યુવકની હત્યા થયા બાદ મૃતક યુવાનનો ફોટો વાસુકીદાદાના મંદિરે મુક્યો હોય જે ફોટો તોડી નાખવામાં આવતા છ શખ્સોએ ફોટો તોડી નાખનાર યુવાનના ઘેર જઈ બઘડાટી બોલાવી ઘરનો દરવાજો તોડી ઘરની ઘરવખરી વેરવિખેર કરી વૃધ્ધાને માર મારતા બનાવ અંગે છ આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.
વાંકાનેર શહેરના નવાપરા ખડીપરામાં રહેતા શાંતાબેન ભીમજીભાઈ રાઠોડ ઉ.60 નામના વૃધ્ધાએ આરોપી તભો પાટડીયા, દિપક કોળી, કરણ પ્રજાપતિ, કાનો વીંઝવાડિયા, વિવેક અને આરોપી રોકી પરેચા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, થોડા સમય પૂર્વે ધ્રુવ પ્રફુલભાઈ કેરવાડિયાની હત્યા થઈ હોવાથી ધ્રુવનો ફોટો વાસુકીદાદાના મંદિરે મુકેલ હતો. જે ફોટો શાંતાબેનના પુત્ર જીતેન્દ્રએ તોડી નાખ્યો હોવાની શંકા ખાર રાખી તમામ આરોપીઓ રીક્ષા અને બાઈક લઈને ફરિયાદીના ઘેર આવી ઘરનો દરવાજો તોડી નાખી ઘરવખરી વેરવીખેર કરી નાખી હતી.સાથે જ મોટર સાયકલ ઊંધા નાખી શાંતાબેનને ઝાપટો મારી હતી.બનાવ અંગે શાંતાબેનની ફરિયાદને આધારે તમામ આરોપીઓ વિરુદ્ધ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.