પ્રેમલગ્ન પછી પતિની બન્ને કિડની ફેઈલ થતા પત્નીએ આખા ઘરની એકલા હાથ જવાબદારી નિભાવી, હવે પતિએ મોત સામે લડીને પણ ઘરની જવાબદારી સંભાળી
મોરબી : પ્રેમનો કોઈ એક દિવસ હોઈ જ ન શકે . પ્રેમમાં તો ખેરખર ત્યાગ અને સમર્પણની ભાવના રહેલી છે.આ પ્રેમની સાચી પરિભાષાને મોરબીના પ્રેમીયુગલે ખરા અર્થમાં સિદ્ધ કરી બતાવી છે. જેમાં શહેરની મેઈન બજારમાં આવેલી ચીંચા કંદોઈ શેરીમાં રહેતા અને સાવ સાધારણ આર્થિક સ્થિતિ ધરાવતા મયુરભાઈ પ્રકાશભાઈ પીઠડિયા અને તેમના પત્ની મનીષાબેન પીઠડીયા વર્ષ 2008 પહેલાં ગુજરાતી અભિનયની નાની દુનિયામાં સાથે કામ કરતા હોવાથી બન્ને એકમેકના પરિચયમાં આવતા મનીષાબેન વિકલાંગ હોય પણ તેમના સંસ્કાર અને સદગુણ તેમજ વ્યક્તિવને પારખીને જ મયુરભાઈએ તેમની સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ મુક્યો હતો. પણ મનીષાબેન સ્વમાની હોવાથી તેમના ઉપર વિકલાંગતાને લઈને તેમના પર કોઈ દયા ભાવ દર્શાવે એ ગમતું ન હતું. પણ મયુરભાઈની દયા ભાવની નહિ પ્રેમનો સાચી ભાવનાની અનુભૂતિ કરી પ્રેમનો સ્વીકાર કર્યા બાદ બંનેએ પ્રેમલગ્ન પણ બન્નેના પરિવારોની રાજીખુશીથી કર્યા હતા. .લગ્ન પછી મયુરભાઈ ખાનગી ટેક્સી ચલાવતા હોય અને પુત્રનો જન્મ થતા સાધારણ આવકમાં પણ તેઓ ખુશ હતા. છતાં કદાચ વિધાતાને નાનું એવું એમનું સ્વર્ગ કરતા પણ વિશેષ આ સુખ પણ મંજુર ન હોય એમ લગ્નના ત્રણ ચાર વર્ષમાં જ મયુરભાઈની બન્ને કીડની ફેઈલ થઈ જતા તેમનો આખો પરિવાર ભાંગી પડ્યો અને મયુરભાઈ કામ કરી શકે એમ ન હોય શરૂઆતના થોડા વર્ષોમાં શિક્ષિકા બનીને પત્નીએ આખા ઘરની જવાબદારી નિભાવી હતી. પણ હવે પત્નીની હૂંફથી માનસિક રીતે સક્ષમ બનીને આત્મવિશ્વાસ કેળવીને પત્નીને નોકરી મુકાવી પતિએ નાની મોટી નોકરી કરીને બન્ને કિડની ફેઈલ હોવાથી મોત ગમે ત્યારે આંબી જશે એવું જાણતા હોવા છતાં તેઓ ઘણા વર્ષોથી નાની આવકમાં પણ હસતા મુખે ઘરની જવાબદારી નિભાવી રહ્યા છે. આ જીવન સંઘર્ષ પાછળ તેમની જીંદાદિલીની સાથે પત્ની સાથેનો આત્મીય પ્રેમ જવાબદાર છે.
માત્ર ડાયાલિસિસ પર જીવવું લોઢાના ચણા ચાવવા જેટલું કપરું
મયુરભાઈ કહે છે કે, બંને કિડની ફેઈલ થઈ જાય એટલે થોડા સમયમાં કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ ન થાય તો માત્ર ડાયાલિસિસ પર જીવવું લોઢાના ચણા ચાવવા જેટલું કપરું છે. હજુ સુધી કોઈ ડોનર તરફથી કિડની મળી ન હોવાથી આઠેક વર્ષથી ડાયાલીસિસ પર જીવી રહ્યો છું. અઠવાડિયામાં બે વખત ડાયાલીસિસ કરવુ પડે અને બોડી ચેકઅપ માટે એક વખત અમદાવાદ જવું પડે છે. ખોરાક તો ઠીક.પાણી પણ વિચારીને પીવું પડે છે. નહિતર ડાયાલિસિસ કરવું પડે છે. અઠવાડિયામાં આરોગ્યની સારવાર કરવા ત્રણ વખત રજા રાખવી પડતી હોય આવા સંજોગોમાં નોકરી કરવી અને 15 હજાર પગારમાં એકલા હાથે મોત સામે લડતા લડતા પરિવારની જવાબદારી નિભાવે છે. તેમની વધુ કરુણતા એ છે કે, હૃદય પર પથ્થર રાખીને આવી કઠિન પરિસ્થિતિ સોશ્યલ મીડિયા પર અવનવા કોમેડી વિડીયો કરીને લોકોને હસાવે છે.
પત્નીએ ખૂબ જ ઘેર્ય રાખ્યું
મનીષાબેને જણાવ્યું હતું કે, પતિને કિડની બીમારી હોવાની ખબર પડતાં જબરો આઘાત લાગ્યો હતો. પણ પ્રેમ કર્યો એટલે એમનો પરાણે ભાર વંઢોરવો પડે અને દયાભાવ રાખ્યો એવી મનમાં ક્યારેય લાગણી આવી જ નથી. મેં પત્ની તરીકેની ફરજ નહીં પણ મેં એમને જે દિલથી પ્રેમ કર્યો છે. એમના પ્રેમ વગર મારુ જીવન અધૂરું છે. એટલે પ્રેમમાં જેટલું કરીએ એટલું ઓછું કહેવાય. પહેલા મેં પ્રેમમાં સમર્પણ દાખવ્યું હવે મારા પતિ સમર્પણ દાખવે છે. મારા હૃદયમાં સદાય એમના પ્રત્યે ક્યારેય પ્રેમની લાગણીમાં જરાય ઓટ નહિ આવે. એટલે જ જ્યારે કિડની ફેઈલ થઈ જતા માનસિક આઘાતમાં એમનામાં તામસી પ્રકૃતિ આવી ગઈ હતી.નાની નાની વાતમાં પણ ચીડિયાપણું આવી ગયું હોવાથી મેં ખૂબ ઘેર્ય રાખી સમજણથી કામ લઈ જીવન એક સંગ્રામ હોવાનું સમજાવી પતિને મોત સામે પણ લડવાની શક્તિ આપી હતી.