સાવચેતીના ભાગરૂપે મોરબી અને માળિયા તાલુકાના હેઠવાસના ગામોને એલર્ટ કરાયા
મોરબી : મોરબીમાં બે દિવસથી વાતાવરણમાં અચાનક પલટો આવતા માવઠાને પગલે દિવાળી પછી શિયાળામાં ફુલગુલાબી ઠંડી વધતી હોય પણ આ ઠંડી અને બપોરે ગરમી બાદ હવે કમોસમી વરસાદ એમ ત્રિવેણી ઋતુના સંગમથી લોકોમાં ભારે અસમંજભરી સ્થિતિ વચ્ચે માવઠાથી શહેરની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમમાં નવા નીરની આવક નોંધાય છે. તેથી આગાઉં જ ઓવરફ્લો રહેલો મચ્છુ ડેમ ફરી ભરશિયાળે છલકાયો છે. મચ્છુ ડેમ ફરી ઓવરફ્લો થતા ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે. આ પહેલા ગઈકાલે મચ્છુ-3 ડેમનો પણ એક દરવાજો ખોલવામાં આવ્યો હતો.
મોરબી જીલ્લામાં અને ઉપરવાસમાં બે દિવસથી સતત કમોસમી વરસાદ પડતાં અગાઉથી ઓવરફ્લો રહેલા જીવાદોરી. સમાન મચ્છુ-2 ડેમમાં નવા નીરની આવક થઈ હતી. આ ડેમ ઓવરફ્લો હોવાથી જેટલા પાણી આવક થાય એટલું જ પાણી નદીમાં છોડી દેવામાં આવ્યું છે. જેમાં 789 ક્યુસેક પાણીની આવક થઈ છે. આ ડેમનો એક દરવાજો 2 ઇંચ ખોલી 108 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. તેથી નદીના પટ્ટમાં અવરજવરથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સાવચેતીના ભાગરૂપે મોરબી તાલુકાના જોધપર, લીલાપર, ભડીયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળિયા, ગોર ખીજડીયા, માનસર, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર નદી, ગુંગણ, નારણકા. બહાદુરગઢ, નવા નાગડાવાસ, જુના નાગડાવાસ, સોખડા, અમરનગર તેમજ માળીયા તાલુકાના વીરવદરકા, દેરાળા, નવાગામ, મેધપર, હરીપર, મહેન્દ્રગઢ, ફતેપર, સોનગઢ, માળિયા (મી).ને એલર્ટ કરવામાં આવ્યા છે.