Friday - Jul 17, 2026

મોરબીમાં પાણી પ્રશ્ને અનોખો વિરોધ, જાગૃત નાગરિકે પાણીના ટાંકામાં બેસી અન્ન જળનો ત્યાગ કર્યો

મોરબીમાં પાણી પ્રશ્ને અનોખો વિરોધ, જાગૃત નાગરિકે પાણીના ટાંકામાં બેસી અન્ન જળનો ત્યાગ કર્યો

મોરબી : મોરબીમાં જાગૃત નાગરિક પાણી પ્રશ્ને અનોખો વિરોધ કર્યો છે. જેમાં 13 દિવસથી પાણી ન આવતા જાગૃત નાગરીકે વિફર્યા હતા અને પોતાના ઘરના ખાલી પાણીના ટાંકામાં બેસી અન્ન જળનો ત્યાગ કર્યો છે. આ સોસાયટીના રહીશો પાણી મુદ્દે કમિશનર જરાય ધ્યાન ન આપી બેદરકારી દાખવતા હોવાની તડાપીટ ચલાવી હતી.

મોરબીના શનાળા રોડ કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલ પંચવટી સોસાયટીમાં રહેતા જાગૃત નાગરિક ચેતનકુમાર ભીલાએ જણાવ્યું હતું કે, તેમની સોસાયટીમાં છેલ્લા 13 વર્ષથી પાણીની ભયકર સમસ્યા સર્જાય. છે. પાણી ક્યારે આવે એ નક્કી જ નથી હોતું.પાણી હમેશા અપૂરતું જ આવે છે. 24 કલાક મોટર ચાલુ રાખીએ છીએ છતાં પાણી આવતું નથી. તેમાંય છેલ્લા 13 દિવસથી પાણીનું એક ટીપુંય આવ્યું નથી. આથી મ્યુનિસિપલ કમિશનર તેમજ કલેક્ટરને અનેક રજુઆત કરી હતી પણ તેઓએ પાણી આપવાની વાત બાજુએ રહી, સરખો જવાબ પણ આપ્યો નથી. મ્યુનિ તંત્રના પાપે જળ વગર રહીશો હેરાન થઈ ગયા છે. જળ વગર જીવન જ નકામું છે.આથી જાગૃત નાગરિકે જ્યાં સુધી પાણી ન આવે ત્યાં સુધી પોતાના પાણીના ટાંકામાં બેસી ગયા છે અને અન્ન જળનો ત્યાગ કરી પોતાના ઉપર જે કઈ થાય તેની જવાબદારી મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટરની રહેશે તેમ જણાવ્યું હતું. જ્યારે આ સોસાયટીના રહીશોએ હજુ પણ મ્યુનિ તંત્ર પાણી વિતરણ યોગ્ય રીતે નહિ કરે તો આગામી સમયમાં આવી રીતે મ્યુનિસિપલ કચેરીમાં બેસીને આંદોલન ચલાવવાનું એલાન કર્યું છે.