Friday - Jul 17, 2026

મોરબીના મહેન્દ્રનગરમાં હોમિયોપેથી આરોગ્ય કેમ્પમાં 51 દર્દીઓએ નિઃશુલ્ક સારવાર મેળવી

મોરબીના મહેન્દ્રનગરમાં હોમિયોપેથી આરોગ્ય કેમ્પમાં 51 દર્દીઓએ નિઃશુલ્ક સારવાર મેળવી

મહિલાઓ અને બાળકો સહિત દર્દીઓની આરોગ્ય તપાસ, દવાઓનું વિતરણ અને સ્વાસ્થ્ય જાગૃતિ અંગે માર્ગદર્શન અપાયું

મોરબી : મોરબી શહેરના મહેન્દ્રનગર વિસ્તારમાં ગુરુવારે યોજાયેલા નિઃશુલ્ક હોમિયોપેથી આરોગ્ય તપાસ અને સારવાર કેમ્પને સ્થાનિક નાગરિકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. ક્રાંતિજ્યોત સોસાયટી, રામધન આશ્રમ સામે યોજાયેલા કેમ્પમાં 51 જેટલા લાભાર્થીઓએ આરોગ્ય તપાસ કરાવી નિઃશુલ્ક સારવાર અને હોમિયોપેથી દવાઓનો લાભ લીધો હતો.

સમાજના દરેક વર્ગ સુધી ગુણવત્તાસભર અને સુલભ આરોગ્ય સેવા પહોંચાડવાના હેતુથી શ્રી આર્યતેજ હોમિયોપેથી એન્ડ જનરલ હોસ્પિટલ, મોરબી દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન કુલ 51 લાભાર્થીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી, જેમાં 15 પુરુષો, 34 મહિલાઓ અને બે બાળકોનો સમાવેશ થાય છે. દર્દીઓને નિઃશુલ્ક તબીબી પરામર્શ, વ્યક્તિગત આરોગ્ય નિદાન, હોમિયોપેથી દવાઓનું વિતરણ તેમજ સ્વસ્થ જીવનશૈલી, પોષણ અને રોગ નિવારણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે હોમિયોપેથી સારવાર અંગે લોકોમાં જાગૃતિ ફેલાય તે દિશામાં પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો

મોરબીના મહેન્દ્રનગરમાં હોમિયોપેથી આરોગ્ય કેમ્પમાં 51 દર્દીઓએ નિઃશુલ્ક સારવાર મેળવી

કેમ્પમાં ડૉ. રાધિકા વ્યાસ, ડૉ. હિરલ ભટાસણા અને ડૉ. ભૂમિકા સોસાએ દર્દીઓની તપાસ અને સારવારની જવાબદારી સંભાળી હતી. ઉપરાંત સંસ્થાના વિદ્યાર્થીઓ દીપાલી વાઘેલા, ધારા પરમાર, રિદ્ધિ જોશી, આશિષ વાઘેલા, શિવમ સુરુ અને તુલસી નાકુમે દર્દી નોંધણીથી લઈને સમગ્ર આયોજન સુધી સક્રિય કામગીરી બજાવી હતી.

કેમ્પના સફળ આયોજન બદલ હોસ્પિટલના મેનેજમેન્ટ દ્વારા ક્રાંતિજ્યોત સોસાયટીના આગેવાનો, સ્થાનિક રહેવાસીઓ, તબીબો, વિદ્યાર્થીઓ, સ્ટાફ અને સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથે જ આગામી સમયમાં પણ વિવિધ વિસ્તારોમાં આવા નિઃશુલ્ક આરોગ્ય કેમ્પો યોજી વધુને વધુ લોકોને ગુણવત્તાસભર આરોગ્ય સેવા પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.