વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ ઢુંવા રોડ પર આવેલ સ્પા ભાડે રાખવા માટે સ્પા માલિક સાથે વાતચીત કરવા ગયેલા કાકા અને બે ભત્રીજાઓ પર સ્પા સંચાલક અને તેના પુત્રએ હુમલો કરી પાઇપ વડે માથામાં ઇજાઓ કરી જાતિ પ્રત્યે હડધૂત કરતા બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં એટ્રોસીટી એકટ સહિતની કલમો મુજબ ગુન્હો રજીસ્ટર થયો છે.
મોરબીના પ્રેમજીનગર ખાતે રહેતા મૂળ ધ્રાંગધ્રા તાલુકાના દેવચરાડી ગામના વતની નિલેશભાઈ જયંતીભાઈ શેખવા ઉ.વ.23 ગત તા.13ના રોજ રાત્રીના સમયે પોતાના કૌટુંબિક ભાઈ હિતેશભાઈને આપેલ નાણાં પરત લેવા માટે માટેલ રોડ પર પોતાના કાકા ભુપતભાઇ સાથે ગયા હતા. આ સમયે ભુપતભાઇ માટેલ રોડ પર આવેલ માસ સ્પા ભાડે ચલાવવા માટે આરોપી સ્પા સંચાલક કાનાભાઈ કોળીને મળવા જતા કોઈ કારણોસર બોલાચાલી થયા બાદ આરોપી કાનાભાઈ અને તેમનો પુત્ર માર મારવા લાગતા ફરિયાદી નિલેશભાઈ અને હિતેશભાઈ છોડાવવા માટે ગયા હતા. જો કે, આરોપી પિતા પુત્ર કાકા અને ભત્રીજાને મારવા લાગતા ત્રણેય જણા મોટર સાયકલમાં ભાગી આગળ પેટ્રોલ પંપ પાસે ઉભા રહેતા આરોપીઓએ ત્યાં આવી ઝઘડો કરી માર મારી જાતિ પ્રત્યે હડધૂત કરતા બનાવ અંગે વાંકાનેર પોલીસ મથકમાં એટ્રોસીટી એકટ સહિતની કલમો મુજબ ગુન્હો રજીસ્ટર કરાયો હતો.