મોરબી : મોરબી - કચ્છ નેશનલ હાઇવે પર હરિપર ગામના પાટિયા પાસે રોડની સાઈડમાં પાર્ક કરેલી એસટી બસ સાથે ટ્રક ચાલકે અકસ્માત સર્જી બસને ટક્કર મારતા બસમાં બેઠેલા બે મહિલા મુસાફરોને ઇજાઓ પહોંચી હતી. ઉપરાંત બસમાં નુકશાન થતા અકસ્માતના બનાવ અંગે બસ ચાલકે ટ્રક ચાલક વિરુદ્ધ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
મોરબી - કચ્છ હાઇવે પર હરિપર ગામના પાટિયા પાસે ગઈકાલે મોડીરાત્રે જીજે - 18 - ઝેડટી - 0134 નંબરની એસટી બસ પાર્ક કરી ઉભી રાખવામાં આવી હતી ત્યારે ડીડી - 01આર - 9598 નંબરના ટ્રક ચાલકે પુરપાટ ઝડપે માનવ જીંદગી જોખમાઇ તે રીતે પોતાનો ટ્રક હંકારી પાર્કિંગ લાઈટ ચાલુ હોવા છતાં બસની ડ્રાઇવર સાઈડમાં ટક્કર મારી અકસ્માત સર્જતાં બસમાં બેઠેલા પ્રીતિબેન મુનિશ્વર ઉ.વ.38 અને પ્રતિભાબેન યશવંતરાય ઉ.વ.70 નામના મુસાફરોને ફ્રેક્ચર સહિતની ઇજા પહોચાડી હતી.અકસ્માતના બનાવ અંગે બસ ચાલક યોગીરાજસિંહ વનરાજસિંહ જાડેજા ઉ.વ.32 રહે.સિદસરા, તા.કલ્યાણપુર, જી.દેવભૂમિ દ્વારકા વાળાએ ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.