મોરબી : પ્રોહિબિશનના અલગ-અલગ ગુનાઓમાં પોલીસ પકડથી દૂર રહી નાસતા ફરતા બે આરોપીઓને મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે બાતમીના આધારે અલગ-અલગ સ્થળેથી ઝડપી પાડ્યા હતા. બંને આરોપીઓની અટકાયત બાદ તેમને માળિયા મિયાણા પોલીસને સોંપવામાં આવ્યા છે.
ભુજ રેન્જ દ્વારા રેન્જ હેઠળના જિલ્લાઓમાં નાસતા ફરતા આરોપીઓ તેમજ ચાલુ તપાસના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે તા.15 ઓક્ટોબર સુધી ખાસ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે પોલીસ ટીમો દ્વારા બાતમીદારોના નેટવર્ક તથા ટેક્નિકલ સર્વેલન્સના આધારે આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે.
આ દરમિયાન મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે માળિયા મિયાણા પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનામાં ફરાર મનસુખભાઈ રણાભાઈ ચાવડા (ઉ.વ.26, રહે. ઇન્દિરાનગર, મોરબી-2)ને નટરાજ ફાટક પાસેથી ઝડપી લીધો હતો.
બીજી તરફ, માળિયા મિયાણા પોલીસ મથકના જ અન્ય એક પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા મૂળ તળાજા, ભાવનગરના અને હાલ માણાબા ખાતે રહેતા મહેન્દ્રસિંહ જીતુભાઈ ગોહિલ (ઉ.વ.30)ને ભીમસર ચોકડી પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી આગળની કાર્યવાહી માટે માળિયા મિયાણા પોલીસ મથકને સોંપ્યા હતા.