મકનસર પાસે ગેસ એજન્સીના ભાગીદાર ટાયર બદલવામાં વ્યસ્ત હતા ત્યારે કારમાંથી રોકડ સહિત મહત્વના દસ્તાવેજો ભરેલી બેગ ચોરાઈ
મોરબી : મકનસર ગામ નજીક સ્વામિનારાયણ મંદિર પાસે ગેસ એજન્સી ચલાવતા વેપારીની કારમાંથી રૂ.6.50 લાખ રોકડ સહિત મહત્વના દસ્તાવેજો ભરેલી બેગની ચોરી થતાં મોરબી તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. કારનું પંચર પડતાં વેપારી પરિવારજનો સાથે ટાયર બદલવામાં વ્યસ્ત હતા તે દરમિયાન ચોર બેગ ઉઠાવી ગયો હોવાનું સામે આવ્યું છે.
મોરબીના આલાપ રોડ પર મારૂતી એપાર્ટમેન્ટમાં રહેતા અને મકનસર ખાતે પ્રિયા ગેસ એજન્સી સાથે સંકળાયેલા રાજેશભાઈ વીરજીભાઈ ફેફર ગત તા.5 ઓક્ટોબરના રોજ પોતાની ગ્રાન્ડ વિટારા કાર નં. GJ-36-AL-2229 લઈને એજન્સીએ ગયા હતા. રાત્રે આશરે 8:15 વાગ્યે દુકાન બંધ કરી પરત નીકળતા સમયે કારના ડ્રાઈવર સાઈડના પાછળના ટાયરમાં પંચર પડ્યું હતું. ટાયર બદલવા માટે રાજેશભાઈ તેમના ભાઈ અને સંબંધીઓ સાથે કાર પાસે રોકાયા હતા. દરમિયાન એક ઓળખીતો ગ્રાહક ગેસનો બાટલો લેવા આવ્યો હતો. રાજેશભાઈ ગ્રાહકને બાટલો આપવા ગયા ત્યારે પોતાની પાસે રહેલી રૂ.6.50 લાખની રોકડ ભરેલી બેગ કારમાં ડ્રાઈવર સીટની બાજુમાં મૂકી હતી. આ સમયે કારના ચારેય દરવાજા ખુલ્લા હતા.
ગ્રાહકને ગેસનો બાટલો આપીને રાજેશભાઈ પરત આવ્યા ત્યારે કારમાંથી રોકડ ભરેલી બેગ ગાયબ હોવાનું જણાયું હતું. આસપાસના વિસ્તારમાં શોધખોળ કરવા ઉપરાંત સીસીટીવી કેમેરા તપાસવામાં આવ્યા હતા, પરંતુ ચોર અંગે કોઈ કડી મળી ન હતી. ચોરાયેલી બેગમાં રૂ.6.50 લાખ રોકડા ઉપરાંત પરિવારના સભ્યોની બેંક પાસબુક અને ચેકબુક, ગેસ એજન્સીની ચેકબુક તથા પિતાનું અસલ રેશનકાર્ડ સહિતના દસ્તાવેજો હતા. બનાવ અંગે રાજેશભાઈ ફેફરે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.