સાવરની પાળમાં 25 હજાર ચો.મી. જમીન દબાણમુક્ત કરાશે; 10 JCB-4 હિટાચી સાથે 200થી વધુ પોલીસનો બંદોબસ્ત
મોરબી : પંચાસર રોડ પર સાવરની પાળ વિસ્તારમાં તળાવના બ્યુટિફિકેશનને પગલે દબાણો હટાવવાની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહાનગરપાલિકાએ 187 આસામીઓને અપાયેલી નોટિસના આધારે આજે ડિમોલિશનની કામગીરી શરૂ કરી છે. આશરે 25 હજાર ચો.મી. જમીન ખુલ્લી થવાની સાથે તેની બજાર કિંમત અંદાજે રૂ.80 કરોડ હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે.
દબાણ દૂર કરવાની પ્રક્રિયા છેલ્લા નવ મહિનાથી ચાલી રહી હતી. જાન્યુઆરી-ફેબ્રુઆરી દરમિયાન સંબંધિત રહેવાસીઓને નોટિસો પાઠવવામાં આવી હતી. દરમિયાન કેટલાક સ્થાનિકો દ્વારા હાઈકોર્ટમાં પણ રજૂઆત કરવામાં આવી હતી. આ કાર્યવાહી બાદ આજે મહાનગરપાલિકા દ્વારા વિસ્તારને છ અલગ ટીમમાં વહેંચીને ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે.
ડિમોલિશનની કામગીરી દરમિયાન મહાનગરપાલિકાના આશરે 140 કર્મચારીઓને છ ટીમમાં તૈનાત કરાયા છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને 200થી વધુ પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવાયો છે, જ્યારે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે.
મકાનો અને અન્ય બાંધકામો દૂર કરવા માટે તંત્ર દ્વારા 10 JCB, 4 હિટાચી, 6 બ્રેકર અને 12 ટ્રેક્ટર સહિતનો સાધનસામગ્રીનો કાફલો સ્થળ પર ઉતારવામાં આવ્યો છે. 100થી વધુ મજૂરો પણ કામગીરીમાં જોડાયા છે.
દરમિયાન ડિમોલિશનની જાણ થતાં અનેક રહેવાસીઓએ પોતાના મકાનોમાંથી પતરાં, ઘરવખરી અને અન્ય કિંમતી સામાન અગાઉથી બહાર કાઢવાનું શરૂ કરી દીધું હતું. કેટલાક પરિવારો સામાન રોડ પર ખસેડતા જોવા મળ્યા હતા. જોકે, વૈકલ્પિક વ્યવસ્થા ન મળી હોય તેવા કેટલાક પરિવારો માટે મકાન ખાલી કરવાની કામગીરી મુશ્કેલ બની હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.