મુંબઈથી કેમિકલ મંગાવી માળીયા સુધી પહોંચાડવાની કડીમાં બંનેની ભૂમિકા : રિમાન્ડમાં પૂછપરછ બાદ રાજસ્થાનના બ્યાવર અને શેરગઢ સુધી પોલીસની તપાસ પહોંચી
મોરબી : મોટા દહિંસરામાં 6 સપ્ટેમ્બરે ઝડપાયેલી નકલી વિદેશી દારૂની ફેક્ટરીના કેસમાં રિમાન્ડ દરમિયાન પોલીસને મહત્વની સપ્લાય કડી મળી છે. તપાસમાં અજીતસિંહ દેવેન્દ્રસિંહ રાઠોડ ઉર્ફે બન્ના, (રહે. શેરગઢ, બ્યાવર) અને અર્જુનસિંહ સોઢા, રહે. ચૌટન, બ્યાવર)ની સપ્લાયર તરીકેની ભૂમિકા સામે આવી છે. પોલીસ તપાસ મુજબ બંને શખ્સો ફેક્ટરીમાં નકલી દારૂ તૈયાર કરવા માટે જરૂરી રો-મટીરીયલની વ્યવસ્થા કરી તેને માળીયા સુધી પહોંચાડવાની કડીમાં સંકળાયેલા હતા.
મોટા દહિંસરાની ફેક્ટરીમાં નકલી દારૂ તૈયાર કરવા માટે જે સામગ્રીની જરૂર પડતી હતી તેની પાછળ અલગ-અલગ સ્થળોની સપ્લાય ચેઇન કામ કરતી હતી. તપાસમાં સામે આવ્યું છે કે કેમિકલ મુંબઈથી મંગાવવામાં આવતું અને રાજસ્થાનના આ સપ્લાયરો મારફતે માળીયા સુધી પહોંચતું હતું. બીજી તરફ નકલી દારૂને બ્રાન્ડેડ દારૂ જેવું દેખાડવા માટેની કાચની બોટલો, બોક્સ, બારકોડ, ક્યુઆર કોડ તથા સ્ટીકરો રાજસ્થાનના ઉદયપુર અને જયપુરથી મેળવવામાં આવતા હતા.
મોટા દહિંસરામાં ફેક્ટરી ચલાવનારાઓ પાસે ઉત્પાદનની વ્યવસ્થા હતી, જ્યારે તેની પાછળ જરૂરી સામગ્રી પહોંચાડવાની કડી રાજસ્થાન અને મુંબઈ સુધી જોડાયેલી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ કડીમાં અજીતસિંહ અને અર્જુનસિંહની ભૂમિકા સ્પષ્ટ કરવા તથા તેમની સાથે સંકળાયેલા અન્ય લોકો સુધી પહોંચવા પોલીસ દ્વારા રાજસ્થાનના ઉદયપુર, બ્યાવર અને શેરગઢમાં તપાસ હાથ ધરવામાં આવી છે. કેમિકલની સપ્લાય કડી શોધવા માટે મુંબઈના અંધેરી અને ભિવંડી સુધી પણ પોલીસ પહોંચી છે.
નકલી દારૂ કાંડના કેસની અગાઉની તપાસમાં સામે આવ્યું હતું કે મોટા દહિંસરાના મકાનમાં કેમિકલના મિશ્રણથી નકલી વિદેશી દારૂ તૈયાર કરી તેના પર બનાવટી બ્રાન્ડના સ્ટીકર, બારકોડ અને ક્યુઆર કોડ લગાવી પેકિંગ કરવામાં આવતું હતું. દરોડા દરમિયાન પાંચ શખ્સો ઝડપાયા હતા, જ્યારે મુખ્ય આરોપી અજયસિંહ જાડેજા ફરાર થયો હતો.
અર્જુનસિંહનું નામ અગાઉના કેસોમાં પણ સામે આવ્યું
તપાસમાં સામે આવેલા અર્જુનસિંહ સોઢાનું નામ અગાઉના નકલી દારૂના કેસોમાં પણ સામે આવ્યું હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. આથી મોટા દહિંસરાની ફેક્ટરીમાં તેની ભૂમિકા માત્ર સ્થાનિક આરોપીઓ સાથેના સંપર્ક પૂરતી હતી કે સપ્લાયની વધુ કડીઓ સાથે જોડાયેલી હતી, તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. ભાવનગરના તાજેતરના નકલી દારૂ કેસની તપાસમાં પણ અર્જુનસિંહ સોઢા અને અજીતસિંહ ઉર્ફે બન્ના રાઠોડ સહિતના નામ સામે આવ્યા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.
મુખ્ય સૂત્રધારને પકડવાના પોલીસ નાકામ
મોટા દહિંસરામાં નકલી દારૂની ફેક્ટરી માટે પોતાનું મકાન ઉપલબ્ધ કરાવનાર અને મુખ્ય સૂત્રધાર ગણાતો અજયસિંહ બાવુભા જાડેજા હજુ પોલીસ પકડથી દૂર છે. પાંચ આરોપીઓની પૂછપરછ બાદ હવે તેની ધરપકડ માટે પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા શોધખોળ ચાલી રહી છે. તેની ધરપકડ બાદ ફેક્ટરીની સપ્લાય ચેઇનમાં સ્થાનિક સ્તરે કોણ-કોણ મદદ કરતું હતું તેની વધુ કડીઓ બહાર આવે તેવી શક્યતા છે.