Thursday - Sep 24, 2026

મોરબીમાં કૃત્રિમ હાથ-પગ,હાઈટેક પ્રોસ્થેટિક લિમ્બ્સના સાધનો આપી દિવ્યાંગોને આત્મનિર્ભર બનાવવાની નેમ

મોરબીમાં કૃત્રિમ હાથ-પગ,હાઈટેક પ્રોસ્થેટિક લિમ્બ્સના સાધનો આપી દિવ્યાંગોને આત્મનિર્ભર બનાવવાની નેમ

મદનમોહનજી મહારાજના 200મા દ્વિશતાબ્દી મહોત્સવ નિમિતે એસેસમેન્ટ કેમ્પનું આયોજન

મોરબી : મોરબી જિલ્લામાં અકસ્માત કે અન્ય કારણોસર હાથ અથવા પગ ગુમાવનાર દિવ્યાંગજનોને ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ એટલે કે કૃત્રિમ હાથ-પગ સહિત વિવિધ સહાયક સાધનો વિનામૂલ્યે આપીને તેમને આત્મનિર્ભર બનાવવાની નેમ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં દિવ્યાંગજનોને વધુ સુવિધાયુક્ત, આત્મનિર્ભર અને ગતિશીલ જીવન તરફ આગળ વધારવાના હેતુથી 30 સપ્ટેમ્બરે સવારના 9થી સાંજના 5 સુધી મોરબીના સ્વામિનારાયણ  મંદિર-સંસ્કારધામ શનાળા રોડ નવા બસ સ્ટેન્ડની બાજુમાં જીઆઇડીસી ખાતે દિવ્યાંગજનોને કૃત્રિમ સાધનોની સુવિધા આપવા માટે વિશેષ નિઃશુલ્ક એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

મદનમોહનજી મહારાજના 200મા દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવી છે. લાભાર્થી દિવ્યાંગજનોની જરૂરિયાત મુજબ કૃત્રિમ હાથ-પગ ઉપરાંત મોટરાઈઝ્ડ ટ્રાઈસિકલ, જોયસ્ટિક વ્હીલચેર તથા અન્ય સહાયક સાધનો પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ માટે દિવ્યાંગતાની સ્થિતિ અને વ્યક્તિગત જરૂરિયાતનું એસેસમેન્ટ કરવામાં આવ્યા બાદ યોગ્ય સાધનનો લાભ આપવામાં આવશે.

સુવિધાનો લાભ લેવા ઇચ્છતા મોરબી તથા આસપાસના વિસ્તારના દિવ્યાંગજનોએ જરૂરી દસ્તાવેજો સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે. જેમાં દિવ્યાંગતાનું પ્રમાણપત્ર અથવા યુડીઆઈડી કાર્ડ, આધારકાર્ડની ઝેરોક્ષ, પાસપોર્ટ સાઈઝનો ફોટો અને આવકનો દાખલો સાથે રાખવાનો રહેશે. અકસ્માત કે અન્ય કારણોસર હાથ-પગ ગુમાવનાર તેમજ સહાયક સાધનોની જરૂરિયાત ધરાવતા દિવ્યાંગજનો આ નિઃશુલ્ક વ્યવસ્થાનો લાભ લઈ શકે તે માટે વહીવટી તંત્ર દ્વારા જાણ કરવામાં આવી છે.