Wednesday - Jun 10, 2026

એક પિતાના બે પુત્રોએ અલગ-અલગ જ્ઞાતિના બોગસ પ્રમાણપત્રોનો ઉપયોગ કરી સરકારી નોકરી મેળવ્યાનો આક્ષેપ

એક પિતાના બે પુત્રોએ અલગ-અલગ જ્ઞાતિના બોગસ પ્રમાણપત્રોનો ઉપયોગ કરી સરકારી નોકરી મેળવ્યાનો આક્ષેપ

યુવા અધિકાર ન્યાય ચળવળના નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા સનસનીખેજ આક્ષેપ : ખોટા જ્ઞાતિ પ્રમાણપત્રથી ચૂંટણી લડી અને સરકારી નોકરી પણ મેળવી

વાંકાનેર : યુવા અધિકાર ન્યાય ચળવળના નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા એક ચોંકાવનારો આક્ષેપ કરવામાં આવ્યો છે, જેમાં એક જ પિતાના બે સગા ભાઈઓએ અલગ-અલગ જ્ઞાતિના પ્રમાણપત્રોનો ઉપયોગ કરી સરકારી ભરતી અને યોજનાઓનો લાભ લીધો હોવાનું સામે આવ્યું છે.

આ કિસ્સામાં મોટો ભાઈ હરેશ રેવાભાઈ સરસૈયા 2015-16 ની ભરતીમાં SEBC (OBC) કેટેગરીમાં પાસ થઈને રેવન્યુ તલાટી તરીકે જોડાયો હતો અને હાલ તે મોરબી ખાતે ફરજ બજાવે છે. જ્યારે તેનો નાનો ભાઈ નવઘણ રેવાભાઈ સરસૈયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની જાહેરાત ક્રમાંક 27/2023-24 માં ST (આદિવાસી) કેટેગરીમાં જુનિયર ક્લાર્ક તરીકે પસંદગી પામ્યો છે. આ બંને ભાઈઓના પિતા રેવાભાઈ હમીરભાઈ સરસૈયા છે અને ગામ વસુંધરાના ખાતા નંબર 48 ના 7/12 ના ઓફિશિયલ ઉતારા તેમજ શાળાના લિવિંગ સર્ટિફિકેટ મુજબ આખો પરિવાર SEBC માં આવતો હોવાના પાકા પુરાવા છે.

સરકારી નોકરી ઉપરાંત નવઘણ સરસૈયાએ ફેબ્રુઆરી 2021 માં વાંકાનેર તાલુકા પંચાયતની 1-અરણીટીંબા બેઠક પરથી ST અનામત સીટ પર ચૂંટણી પણ લડી હતી. વધુમાં, આ પરિવાર પાસે 5.79 હેક્ટર એટલે કે આશરે 15 વીઘા જમીન હોવા છતાં અને ઘરમાં એક દીકરો 2015 થી સરકારી નોકરીમાં હોવા છતાં, મનરેગા યોજનામાં ગરીબ શ્રમિક બનીને સરકારી ગ્રાન્ટ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મનરેગાના ફોર્મમાં નવઘણે પોતાની જ્ઞાતિ ST અને બાકીના ભાઈઓએ OBC દર્શાવી હોવાનું પણ બહાર આવ્યું છે.

આ સમગ્ર કૌભાંડ મામલે યુવરાજસિંહ જાડેજાએ મુખ્ય માંગણીઓ કરી છે કે આ બંને ભાઈઓના જ્ઞાતિના પ્રમાણપત્રોની સઘન તપાસ માટે તાત્કાલિક હાઈ-લેવલ કમિટી નીમવામાં આવે. ખોટું પ્રમાણપત્ર કાઢી આપનાર અધિકારીઓ અને આ કાવતરામાં સામેલ લોકો વિરુદ્ધ ફોજદારી ગુનો વગેરે હેઠળ) દખલ કરવામાં આવે.

બોગસ સર્ટિફિકેટના આધારે નોકરી મેળવનાર કર્મચારીને તાત્કાલિક સસ્પેન્ડ અને બરતરફ કરી, અત્યાર સુધી ચૂકવાયેલો પગાર વ્યાજ સાથે પરત વસૂલ કરવામાં આવે અને ભવિષ્યની ભરતીઓ માટે તેને બ્લેકલિસ્ટ કરવામાં આવે. જો આ મામલે યોગ્ય તપાસ અને કડક કાર્યવાહી નહિ થાય તો સાચા આદિવાસી અને ઓબીસી સમાજના યુવા સંગઠનો દ્વારા ઉગ્ર આંદોલન અને કાનૂની લડત લડવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.