મનપાનો સ્ટાફ, કોર્પોરેટરો અને સ્થાનિકોએ શ્રમદાન કરી જનજાગૃતિનો સંદેશો આપ્યો
મોરબી : રાજ્ય સરકારના “સ્વચ્છ ગુજરાત, પ્લાસ્ટિક ફ્રી ગુજરાત” અભિયાન અંતર્ગત મોરબી મહાનગરપાલિકા દ્વારા વિશેષ પ્લાસ્ટિક કલેક્શન અને સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે અને મોરબીને પ્લાસ્ટિક મુક્ત કરવાનું અભિયાન વેગવતું બન્યું છે. જેના ભાગરૂપે આજે મોરબીના વોર્ડ નં. ૭ વિસ્તારમાં આવેલા માધાપર શાક માર્કેટ, આસ્વાદ પાન થી લાતીપ્લોટ પોલીસ ચોકી સુધીના વિસ્તાર પર પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન અને સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
સફાઈ ઝુંબેશમાં વોર્ડ નં. ૭ ના કોર્પોરેટર ભાવીનભાઈ ઘેલાણી, જયેશભાઈ દેસાઈ, મમતાબેન ઠાકર તથા જલ્પાબેન સોનગ્રા અને વોર્ડના અન્ય કાર્યકર્તાઓ તેમજ સ્થાનિક લોકોએ વેસ્ટ પ્લાસ્ટિકનું કલેક્શન કરી જાતે જ સઘન રીતે સફાઈ કરી લોકોને માત્ર પોતાના ઘર જ નહીં પણ શહેરમાં સ્વચ્છતા જાળવવા શક્ય હોય એટલું યોગદાન આપી નાગરિક ધર્મ નિભાવવા માટે જાગૃત કર્યા હતા અને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત મોરબીના નિર્માણ માટે યોજાયેલા આ કાર્યક્રમમાં મહાનગરપાલિકાની ટીમ, સફાઈ કર્મચારીઓ તથા સ્થાનિક નાગરિકોએ પણ ઉત્સાહપૂર્વક પોતાનો સહયોગ આપ્યો હતો. તંત્ર દ્વારા નગરજનોને એકજૂટ થઈને સ્વચ્છ, સુંદર અને પ્લાસ્ટિક મુક્ત મોરબીના નિર્માણ માટે કાયમી રીતે શ્રમદાન કરવાની હાકલ કરી હતી.
પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધની કડક અમલવારી સામે સવાલ
મોરબીમાં અગાઉ નગરપાલિકા વખતે સાતેક વર્ષ પહેલાં પ્લાસ્ટિકના વેચાણ અને વપરાશ ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો. પણ તે વખતે નગરપાલિકા તંત્ર મન પડે ત્યારે જ આ પ્લાસ્ટિકના વિક્રેતાઓ ઉપર દરોડા પાડતું હોવાથી પ્લાસ્ટિકના પ્રતિબંધનો કડક અમલ કરાવ્યો ન હોવાથી છૂટથી પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચાય અને વપરાય છે. આથી નગરપાલિકા બાદ હવે મનપાએ જો આ નિયમની કડક અમલવારી કરી હોત તો અત્યારે આ ખાસ ઝુંબેશ ચલાવવાની જરૂરત ન પડત. તેવું જાગૃત નાગરિકોએ જણાવ્યા હતું.