એક્સ-રે સ્ક્રીનિંગ અને આયુષ્યમાન કાર્ડની કામગીરીનો.127 લાભાર્થીઓને મળ્યો લાભ
મોરબી : રાજ્ય સરકાર દ્વારા જૂન મહિનાને 'મેલેરિયા વિરોધી માસ' તરીકે ઉજવવાની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ અંતર્ગત મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે. શ્રીવાસ્તવ અને જિલ્લા મેલેરિયા અધિકારી ડો. વિપુલ કારોલીયાની સૂચના મુજબ, તેમજ લાલપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. રાધિકા વડાવિયા અને સુપરવાઈઝર દીપકભાઈ વ્યાસના માર્ગદર્શન હેઠળ પાનેલીના આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે વિવિધ જાગૃતિ અને નિવારણલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.
વાહકજન્ય રોગો સામે જાગૃતિ અને સર્વેલન્સ
મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગોને અટકાવવા આરોગ્ય કર્મચારીઓ દિલીપભાઈ દલસાણીયા, ખુશ્બુબેન પટેલ, ભાવનાબેન ચાવડા, મેઘનાબેન વરસાત, પિયુષભાઈ મકવાણા અને આશા વર્કર બહેનોની ટીમ દ્વારા ઘરે-ઘરે જઈને સર્વેલન્સ કરવામાં આવ્યું હતું. ખુલ્લા ટાંકા, કુંડા અને ટાયરોમાં ભરાયેલા પાણીનો નિકાલ કરી એબેટ દ્વારા પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. જરૂરિયાત મુજબના વિસ્તારોમાં ફોગિંગ પણ કરાયું હતું.
વિદ્યાર્થીઓને સ્માર્ટ ટીવી દ્વારા માર્ગદર્શન
શાળાઓ શરૂ થતાં જ વિદ્યાર્થીઓમાં મચ્છરજન્ય રોગો અંગે જાગૃતિ લાવવા સ્માર્ટ ટીવીના માધ્યમથી મચ્છરોની લાઈફ સાઇકલ અને રોગોની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. મુખ્ય આરોગ્ય અધિકારીએ સંદેશ આપ્યો હતો કે, મચ્છરોની ઉત્પત્તિ રોકવી એ જ મેલેરિયાથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય છે. અઠવાડિયામાં એક દિવસને 'ડ્રાય ડે' તરીકે ઉજવી ઘરમાં પાણી ભરાવા ન દઈએ તો મેલેરિયા મુક્ત સમાજ બની શકે.
ટીબી મુક્ત ભારત 2.0 અને ડિજિટલ એક્સ-રે સ્ક્રીનિંગ
મોરબી જિલ્લા ટીબી અધિકારી ડો. ધનસુખ અજાણાના માર્ગદર્શન હેઠળ પાનેલી ગામે ડિજિટલ એક્સ-રે સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો હતો. જેમાં 60 વર્ષથી મોટી ઉંમરના લોકો, ડાયાબિટીસના દર્દીઓ, જુના ટીબીના દર્દીઓ અને તેમના પરિવારજનો, ધૂમ્રપાન કરનાર કે આલ્કોહોલ લેનાર તેમજ 18.5 થી ઓછો બોડી માસ ઇન્ડેક્સ ધરાવતા અતિ સંવેદનશીલ લોકોનું હેન્ડ હેલ્ડ (MMU) પોર્ટેબલ મશીન દ્વારા રજનીકાંતભાઇ સુરાણી દ્વારા વિનામૂલ્યે સ્ક્રીનિંગ કરાયું હતું.
આ કેમ્પમાં કુલ 127 લાભાર્થીઓનું એક્સ-રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. સાથે જ ગામના લોકોને આયુષ્યમાન ભારત યોજના હેઠળ આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા. આ આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓમાં ગામના એક્ટિવ સરપંચ ગૌતમભાઈ હડિયલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.