હળવદમાં સરારોડ ઉપર આવેલ આલાપ સોસાયટીમાં રહેતા વૃદ્ધને ઘરમાં નડતર હોવાથી તેને દૂર કરવા વિધિ કરવી પડશે તેવું કહીને તેમને શિશામાં ઉતારી વિશ્વાસમાં લઈને વૃદ્ધ પાસેથી ૩૯૨૦૦ રૂપિયા પડાવીને છેતરપિંડી કરનાર બે શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
હળવદમાં આવેલ આલાપ સોસાયટીમાં બ્લોક નંબર-૩૮માં રહેતા ઈશ્વરભાઈ મહાદેવભાઇ જસાપરા (ઉ.વ.૬૪) નામના વૃદ્ધે અજાણ્યા બે શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે, આરોપીઓ તેની પાસે આવ્યા ત્યારે પટેલ હોવાનું તેમણે જણાવ્યું હતું અને તેઓના ઘરમાં નડતર છે તો વિધિ કરાવવાથી નડતર દૂર કરી દેશું તેવું કહીને ફરિયાદીને વિશ્વાસમાં લીધા હતા અને ફરિયાદી પાસેથી વિધિના બહાને રૂપિયા ૩૯૨૦૦ લીધા હતા અને તેની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલ છે જેથી ભોગ બનેલા વૃદ્ધ દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઈપીસી કલમ ૪૦૬, ૪૨૦ અને ૧૧૪ મુજબ ગુનો નોંધી અજાણ્યા બે શખ્સોને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને આ ગુનામાં જિલ્લા એલસીબીની ટીમે આરોપી દીપકભાઈ નારાયણનાથ ધાંધૂ અને રોહિતનાથ ભગવાનનાથ ધાંધૂની ધરપકડ કરી છે અને આ બંને આરોપી પાસેથી ૩૯૨૦૦ રોકડા તેમજ ગુનામાં વપરાયેલ બાઇક સહિત કુલ મળીને ૮૯૨૦૦ નો મુદામાલ કબજે કરેલ છે અને આરોપીઓને હળવદ પોલીસ હવાલે કરી છે.