Wednesday - Jul 22, 2026

આ ખેતર અમારું છે' કહી ખેડૂતને બે શખ્સે ભડાકે દઈ પતાવી દેવાની ધમકી આપી

આ ખેતર અમારું છે' કહી ખેડૂતને બે શખ્સે ભડાકે દઈ પતાવી દેવાની ધમકી આપી

માળીયા મિયાણાના ખીરઈ ગામે ખેડૂતને ખેતરમાં જ અટકાવી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઇ


મોરબી: માળિયા મીયાણા તાલુકાના ખીરઈ ગામે પોતાની માલિકીની ખેતીની જમીનમાં ખેતીકામ કરી રહેલા ખેડૂતને બે શખ્સોએ ખેતરમાં જ અટકાવી રૂઆબ કરી  "આ ખેતર અમારું છે" તેમ કહી ગાળાગાળી કરી હતી. એટલું જ નહીં, ભડાકે દઈ ફાયરિંગ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર બનાવ મામલે માળિયા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે.

મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા પરેશભાઈ લક્ષ્મણભાઈ ભોરણીયા (ઉ.વ. 35) નામના ખેડૂતે માળીયાના ખીરઈ ગામના ઇકબાલ હાજીભાઈ મોવર અને રણમલ દિલાવર ઉર્ફે દિલાભાઈ સામતાણી સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, પરેશભાઈ પોતાની માલિકીની ખીરઈ ગામની સીમમાં આવેલી ખેતીની જમીનમાં ખેતીકામ કરી રહ્યા હતા ત્યારે આ બંને આરોપીઓ ત્યાં ધસી આવ્યા હતા અને અચાનક જ આરોપી ઇકબાલ મોવરે ફરિયાદીને ખેતી કરતા અટકાવી "આ ખેતર અમારું છે" તેમ કહી ગાળો ભાંડી હતી.  ત્યારબાદ ભડાકે દઈ ફાયરિંગ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે બીજા આરોપી રણમલ સામતાણીએ પણ ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવથી ગભરાયેલા ખેડૂતે માળિયા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી તેમની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.