Wednesday - Jul 22, 2026

મોરબી જિલ્લામાં અંતે મેઘરાજા મહેરબાન, મોરબીમાં બે કલાકમાં સવા ઇંચ વરસાદ

મોરબી જિલ્લામાં અંતે મેઘરાજા મહેરબાન, મોરબીમાં બે કલાકમાં સવા ઇંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં હળવદમાં પોણો ઇંચ, માળીયા મિયાણામાં અડધો ઇંચ જ્યારે વાંકાનેર-ટંકારામાં પણ વરસાદી ઝાપટાં

મોરબી : અનરાધાર વરસાદ પાડવાનો ધોરી મહિનો ગણાતો જુલાઈ મહિનો પૂરો થવામાં હવે ગણતરીના દિવસો બાકી હોવા છતાં મોરબી જિલ્લામાં સંતોષકારક વરસાદ ન પડતાં ખેડૂતો સહિત લોકોમાં ચિંતા વ્યાપી હતી. જોકે મંગળવાર સાંજથી મેઘરાજાએ આખરે મન મૂકીને વરસવાનું મેણું ભાંગતા સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ખાસ કરીને બુધવારે વહેલી સવારે મોરબી શહેરમાં ધોધમાર વરસાદ વરસતા માત્ર બે કલાકમાં જ 32 મીમી એટલે કે સવા ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ ધીમીથી મધ્યમ વરસાદ વરસતા ચોમાસાએ આખરે ગતિ પકડી હોવાનું ચિત્ર સામે આવ્યું છે.

મોએબીમાં મંગળવારે સવારે શરૂ થયેલી વરસાદી સિસ્ટમના પગલે બુધવારે સવારે પૂર્ણ થયેલા છેલ્લા 24 કલાક દરમિયાન મોરબી તાલુકામાં 10 મીમી, માળીયા મિયાણામાં 12 મીમી, હળવદમાં 19 મીમી, વાંકાનેરમાં 4 મીમી તથા ટંકારામાં 2 મીમી વરસાદ નોંધાયો હતો. આ મુજબ હળવદમાં પોણો ઇંચ, માળીયા મિયાણામાં અંદાજે અડધો ઇંચ જ્યારે વાંકાનેર અને ટંકારામાં હળવા વરસાદી ઝાપટાં નોંધાયા હતા.

આ દરમિયાન બુધવારે સવારે છ વાગ્યાથી મોરબી શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદનું જોર વધી ગયું હતું. સવારે આઠ વાગ્યા સુધીના માત્ર બે કલાકમાં જ વધુ 32 મીમી વરસાદ નોંધાતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. બીજી તરફ જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઘટાટોપ વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમરથી મધ્યમ વરસાદ ચાલુ હોવાના અહેવાલ મળ્યા હતા.

લાંબા વિરામ બાદ સમગ્ર જિલ્લામાં એકસાથે વરસાદ વરસતા ખેડૂતોમાં આશાનું નવું કિરણ જાગ્યું છે. જોકે ખેતી માટે હજુ વધુ વરસાદની જરૂરિયાત હોવાનું પણ ખેડૂતો જણાવી રહ્યા છે.b