Wednesday - Jul 22, 2026

મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો પિતા વિહોણી-અનાથ દીકરીઓને સંનદી અધિકારી બનાવવાનો સંકલ્પ

મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો પિતા વિહોણી-અનાથ દીકરીઓને સંનદી અધિકારી બનાવવાનો સંકલ્પ

ઓમ શાંતિ વિદ્યાલય દ્વારા "અનાથનો નાથ" નામે મહત્ત્વાકાંક્ષી શિક્ષણ પ્રોજેક્ટ અમલમાં મુકાયો, ધોરણ-7થી UPSC-GPSC સુધી સંપૂર્ણ નિઃશુલ્ક શિક્ષણ, રહેઠાણ અને સર્વાંગી વિકાસની વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાઈ

(રવિ બરાસરા) : સમાજમાં માતા-પિતાનો સહારો ગુમાવનારી દીકરીઓને માત્ર આશ્રય નહીં પરંતુ ઉચ્ચ શિક્ષણ, સંસ્કાર અને આત્મનિર્ભર ભવિષ્ય આપવાના હેતુથી મોરબીની ઓમ શાંતિ વિદ્યાલય દ્વારા "અનાથનો નાથ" નામે મહત્ત્વાકાંક્ષી શિક્ષણ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટના પ્રણેતા અને ઓમ શાંતિ વિદ્યાલયના મેનેજિંગ ટ્રસ્ટી ટી.ડી. પટેલે અનાથ અને પિતાવિહોણી દીકરીઓને ધોરણ-7થી લઈને સ્નાતક અભ્યાસ તેમજ UPSC-GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ સુધી સંપૂર્ણ નિઃશુલ્ક શિક્ષણ, રહેઠાણ, ભોજન અને વિશેષ તાલીમ આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. આ સમગ્ર યોજના દીકરીઓને માત્ર નોકરી નહીં પરંતુ દેશના ઉચ્ચ વહીવટી હોદ્દા સુધી પહોંચાડવાના લક્ષ્ય સાથે તૈયાર કરવામાં આવી છે.

શિક્ષણવિદ ટી.ડી. પટેલે મોરબીમાં વર્ષો પહેલાં સ્થાપેલી ઓમ શાંતિ વિદ્યાલયના માધ્યમથી શિક્ષણક્ષેત્રે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ શરૂ કરી છે. ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણની તક પૂરી પાડવાની પરંપરાને આગળ વધારતા હવે અનાથ દીકરીઓ માટે અલગ હોસ્ટેલ અને સર્વાંગી વિકાસ આધારિત આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. તેમના મતે અનાથ દીકરીઓને યોગ્ય માર્ગદર્શન, સંસ્કાર અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તો તેઓ પણ IAS, IPS, GPSC સહિતના ઉચ્ચ હોદ્દા સુધી પહોંચી શકે છે.

યોજનાનો લાભ એવી દીકરીઓને મળશે જેમના માતા-પિતાનું અવસાન થયું હોય અથવા પિતાનું અવસાન થયું હોય. પ્રથમ તબક્કામાં ધોરણ-7થી 11માં પ્રવેશ આપવામાં આવશે અને આગામી સમયમાં અન્ય ધોરણોનો પણ સમાવેશ કરવામાં આવશે. ડાંગ, આહવા, પંચમહાલ જેવા આદિવાસી વિસ્તારો ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્રની પાત્ર દીકરીઓને યોજનાનો લાભ મળશે. આર્થિક સ્થિતિને કોઈ માપદંડ રાખવામાં આવ્યો નથી. અભ્યાસ કરવાની તીવ્ર ઇચ્છા ધરાવતી દરેક પાત્ર દીકરીને તક આપવામાં આવશે.

મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો પિતા વિહોણી-અનાથ દીકરીઓને સંનદી અધિકારી બનાવવાનો સંકલ્પ

પ્રવેશ માટે લેખિત પરીક્ષા, બુદ્ધિક્ષમતા કસોટી, મૌખિક મુલાકાત અને જરૂરી દસ્તાવેજોની ચકાસણી બાદ પસંદગી કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં કુલ 150 દીકરીઓને પ્રવેશ આપવામાં આવશે.

પસંદગી પામનાર દીકરીઓ માટે સુરક્ષિત અને સુવિધાસભર હોસ્ટેલ, પૌષ્ટિક શાકાહારી ભોજન, પુસ્તકો, નોટબુક, ગણવેશ, બસ સુવિધા, આરોગ્ય તપાસ અને સારવાર, ઋતુ અનુસાર કપડાં, સ્વચ્છતા માટેની તમામ સામગ્રી, યોગ, વ્યાયામ, રમતગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગ અને કારકિર્દી માર્ગદર્શન સહિતની તમામ વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા સંપૂર્ણ નિઃશુલ્ક કરવામાં આવશે.

અભ્યાસની વાત કરીએ તો ધોરણ-7થી 10 સુધી ગુજરાત બોર્ડનું શિક્ષણ, ત્યારબાદ ધોરણ-11 અને 12 તેમજ BA, B.Com, B.Sc., BBA, BCA સહિતના સ્નાતક અભ્યાસનો સમગ્ર ખર્ચ ટ્રસ્ટ ઉઠાવશે. સાથે જ UPSC અને GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ધોરણ-7થી જ વિશેષ આયોજન કરવામાં આવશે. NCERT આધારિત અભ્યાસક્રમ, જનરલ સ્ટડીઝ, મોક ટેસ્ટ, ઇન્ટરવ્યૂ માર્ગદર્શન અને સ્પર્ધાત્મક પરીક્ષાની સુવ્યવસ્થિત તૈયારી કરાવવામાં આવશે. દિલ્હી, ગાંધીનગર અથવા ઓનલાઈન માધ્યમથી પણ જરૂરી કોચિંગ ઉપલબ્ધ કરાશે.

GPSC માટે ગુજરાતનું સાહિત્ય, ઇતિહાસ, બંધારણ, અર્થતંત્ર અને અન્ય વિષયોનું ઊંડાણપૂર્વકનું માર્ગદર્શન આપવામાં આવશે. પૂર્વ IAS, GPSC અને અન્ય અનુભવી અધિકારીઓ ઉપરાંત વિષય નિષ્ણાતો દ્વારા તાલીમ આપી દીકરીઓને ઉચ્ચ વહીવટી સેવાઓ માટે તૈયાર કરવામાં આવશે.

પ્રોજેક્ટના પ્રણેતા ટી.ડી. પટેલે જણાવ્યું છે કે તેમનું સ્વપ્ન માત્ર દીકરીઓને ભણાવવાનું નથી, પરંતુ આ હોસ્ટેલમાંથી IAS, IPS, GPSC, IRS, પોલીસ અધિકારી, કલેક્ટર, મામલતદાર અને અન્ય ઉચ્ચ હોદ્દા પર પહોંચેલી દીકરીઓ દેશની સેવા કરે તે છે. અનાથ હોવું કોઈની પ્રગતિમાં અવરોધ ન બને અને યોગ્ય તક મળે તો દીકરીઓ પણ સર્વોચ્ચ શિખરો સર કરી શકે તે આ સમગ્ર યોજનાનો મૂળભૂત હેતુ છે.

યોજનાની મુખ્ય વિશેષતાઓ

* અનાથ અને પિતાવિહોણી દીકરીઓ માટે સંપૂર્ણ નિઃશુલ્ક શિક્ષણ યોજના
* ધોરણ-7થી સ્નાતક સુધીનો તમામ અભ્યાસ ખર્ચ ટ્રસ્ટ ઉઠાવશે
* UPSC, GPSC સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિશેષ તાલીમ
* રહેવા, જમવા, પુસ્તકો, ગણવેશ, આરોગ્ય અને બસ સહિત તમામ સુવિધા વિનામૂલ્યે
* પૂર્વ IAS, GPSC અધિકારીઓ અને વિષય નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન
* પ્રથમ તબક્કામાં 150 દીકરીઓને મળશે પ્રવેશ

મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો પિતા વિહોણી-અનાથ દીકરીઓને સંનદી અધિકારી બનાવવાનો સંકલ્પ