દોઢ ઇંચ વરસાદમાં જ રસ્તા પર પાણી ભરાયા; કરોડોના ખર્ચે નાખાયેલી ગટર લાઇન હજુ બિનઉપયોગી, રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ નહીં
મોરબી: મોરબીના ગાંધીચોકથી સામા કાંઠા તરફ જવાના મુખ્ય માર્ગ એવા તખ્તસિંહજી રોડ પર ફરી એકવાર સામાન્ય વરસાદમાં જ પાણી ભરાવાની સમસ્યા સર્જાતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. દોઢ ઇંચ જેટલા વરસાદમાં જ રોડ પર અંદાજે એક ફૂટ જેટલું પાણી ભરાઈ જતાં 50થી વધુ દુકાનોમાં પાણી ઘૂસી ગયું હતું. દુકાનદારો દ્વારા દુકાન આગળ પારાપેટ બનાવવામાં આવ્યા હોવા છતાં પસાર થતાં વાહનોના કારણે પાણી દુકાનોમાં ફરી વળતાં વેપારીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
વેપારીઓના જણાવ્યા મુજબ દુકાનોમાં પાણી ઘૂસી જતાં માલસામાનને નુકસાન પહોંચી રહ્યું છે અને ગ્રાહકો પણ દુકાન સુધી પહોંચી શકતા નથી. પરિણામે ચોમાસા દરમિયાન વેપાર-ધંધા પર ગંભીર અસર પડી રહી છે. બીજી તરફ રોડ પર પાણી ભરાવાના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી અને રાહદારીઓને પણ પાણીમાંથી પસાર થવાની ફરજ પડી હતી.
વેપારીઓએ જણાવ્યું હતું કે ગયા વર્ષે આ વિસ્તારમાં પાણીના નિકાલ માટે કરોડો રૂપિયાના ખર્ચે ગટર લાઇન નાખવામાં આવી હતી. જોકે એક વર્ષ વીતી જવા છતાં આજદિન સુધી તેનું કનેક્શન આપવામાં આવ્યું નથી. જેના કારણે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થતો નથી અને દર વર્ષે વેપારીઓને હાલાકી ભોગવવી પડે છે. વેપારી ચંદુભાઈએ આક્ષેપ કર્યો હતો કે ગટર લાઇન નાખવા છતાં તેનો કોઈ ઉપયોગ થતો નથી અને છેલ્લા 10થી 20 વર્ષથી વેપારીઓ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે.
આ પ્રશ્ને સ્થાનિક વેપારીઓએ જિલ્લા કલેક્ટર, મહાનગરપાલિકા કમિશનર તેમજ મુખ્યમંત્રી સુધી અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં હજુ સુધી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. વેપારીઓએ તાત્કાલિક યોગ્ય આયોજન કરી વરસાદી પાણીના નિકાલની અસરકારક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે.