Tuesday - Sep 29, 2026

માટેલ રોડના સિરામિક કારખાનામાં ભીષણ આગમાં મશીનરીને વ્યાપક નુકસાન થયાનો અંદાજ

માટેલ રોડના સિરામિક કારખાનામાં ભીષણ આગમાં મશીનરીને વ્યાપક નુકસાન થયાનો અંદાજ

પ્રિન્ટિંગ મશીનમાં આગ લાગતા થોડીવાર માટે દોડધામ, અંતે ફાયર ટીમે પહોંચી આગ કાબુમાં લઈ લેતા સદનસીબે જાનહાનિ ટળી

મોરબી : વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલા બોંઝા વીટ્રીફાઈડ કંપનીના પ્રિન્ટિંગ મશીનમાં સોમવારે વહેલી સવારે અચાનક આગ ભભૂકી ઊઠી હતી. આગનું પ્રમાણ વધુ હોવાથી થોડીવાર માટે કારખાનામાં દોડધામ મચી ગઈ હતી. બનાવની જાણ થતાં મોરબી મહાનગરપાલિકાના ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

ફાયર ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. આગ વધુ પ્રસરી ન જાય તે માટે તાત્કાલિક કામગીરી કરવામાં આવતા આગને કાબુમાં લેવામાં આવી હતી. જોકે, આગનું પ્રમાણ વધુ હોવાથી કારખાનાની મશીનરીને વ્યાપક નુકસાન થયું હોવાનું પ્રાથમિક અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

આગ કયા કારણોસર લાગી તે અંગેની ચોક્કસ વિગતો સામે આવી નથી. જોકે, સદનસીબે આગના બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. આગની ઘટનાને પગલે થોડા સમય માટે કારખાનામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.