ચોકડી પર ડમ્પરચાલકે અચાનક વળાંક લેતા અકસ્માત, 30 વર્ષીય યુવાને જીવ ગુમાવ્યો
મોરબી : વાંકાનેરના સરતાનપર ગામે પાવર હાઉસ સામે પાનેલી તરફ જવાના માર્ગ પર આવેલી ચોકડી પાસેથી છકડો રિક્ષા લઈને પસાર થઈ રહેલા યુવાનને ડમ્પરચાલકે અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં માથા સહિત શરીરના વિવિધ ભાગે ગંભીર ઈજા થતાં 30 વર્ષીય રિક્ષા ચાલકનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ડમ્પરચાલક વાહન સ્થળ પર મૂકી નાસી ગયો હતો.
વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે રહેતા બાબુભાઈ સતાભાઈ મુંધવાએ ડમ્પર નં. જીજે-36-વી-9314ના ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ તેમના ભાઈ મુકેશભાઈ સતાભાઈ મુંધવા (ઉં.30) છકડો રિક્ષા નં. જીજે-3-એક્સ-4952 લઈને સરતાનપર ગામ તરફ આવી રહ્યા હતા.
દરમિયાન પાવર હાઉસ સામે પાનેલી ગામ તરફ જવાના માર્ગ પર આવેલી ચોકડી પાસે ડમ્પર ચાલકે બેદરકારીપૂર્વક વાહન હંકારી અચાનક વળાંક લેતા છકડો રિક્ષાને હડફેટે લીધી હતી. ડમ્પરની અડફેટે આવતાં મુકેશભાઈને માથા, હાથ-પગ સહિતના શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતમાં તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ડમ્પરચાલક વાહન સ્થળ પર મૂકી નાસી ગયો હતો. બનાવ અંગે મૃતકના ભાઈની ફરિયાદના આધારે વાંકાનેર તાલુકા પોલીસે ડમ્પરચાલક વિરુદ્ધ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.