મોરબીના જસમતગઢ ગામની સીમમાં પાવડીયારી કેનાલ નજીક બાઈક લઈને જઈ રહેલા યુવાનનું બાઈક સ્લીપ થયા બાદ પાછળ આવતો ટ્રક યુવાનની છાતી ઉપર ફરી વળતા આ યુવાનનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બીજા બનાવમાં મોરબીના ઉંચી માંડલ નજીક ટ્રક હડફેટે બાઈક ચાલકનું મોત નીપજ્યું હતું.
મોરબીમાં આજીવિકા રળવા આવેલા ગજેન્દ્રભાઈ નંદલાલ બાસ્કર ઉ.વ. 30 નામનો યુવાન તથા તેના મિત્ર વિશ્વકર્મા બૈજનાથ બેહરા ઉ.વ 34 નામના યુવાન લોરીશન સિરામિક રંગપર ગામેથી બાઈક નંબર એમપી – 37 – ઝેડસી – 0974 વાળું લઈને સાકેત સિરામિક કારખાનામાં જતા હતા ત્યારે પાવડીયારી કેનાલ પાસે આવેલ સનવીસ સિરામિક પાસે પહોંચતા બાઈક સ્લીપ થઈ જતા પાછળ પુર ઝડપે આવતા જીજે – 12 – એટી – 5400 નંબરના ટ્રકનું તોતિંગ વ્હીલ ગજેન્દ્રભાઈની છાતી ઉપર તેમજ માથા ઉપર ફરી વળતા ગંભીર ઇજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ઝારખંડના રહેવાસી વિશ્વકર્મા બૈજનાથ બેહરાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. બીજા બનાવમાં મોરબી – હળવદ હાઇવે ઉપર ઉંચી માંડલ નજીક સિલોરા કારખાના સામે જીજે – 03 – સીકે – 0519 નંબરનું બાઈક લઈને જઈ રહેલા ચરાડવા ગામના રહેવાસી જાદવજીભાઈ માકાસણાને આરજે – 27 – જીઇ – 1222 નંબરના ટ્રક ચાલકે હડફેટે લઈ પછાડી દેતા ગંભીર ઇજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું. અકસ્માતની ઘટના બાદ ટ્રક ચાલક ટ્રક રેઢો મૂકી નાસી જતા મૃતકના પુત્ર કમલેશભાઈ જાદવજીભાઈ માકાસણાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.