સરકારી કર્મીઓ અને અધિકારીઓ નિવૃત્તિ પછી એકદમ શાંતિથી જીવન પસાર કરવાનું ઈચ્છે છે. ઘણીવાર સરકારી કર્મીઓ પેન્શન માટે લડતા હોય કે પરિવાર-સંતાનોની ઉપેક્ષાનો ભોગ બન્યા હોવાનું આપણે જોતા હોય છીએ. પણ મોરબીના એક રેલવે કર્મચારી જુદી માટીના જ બનેલા છે. એમને કોઈ જાતની તકલીફ નથી. એમને ગરીબો અને ખાસ ભૂખથી વંચિત રહી જતા બાળકો સહિતના લોકોની સેવા કરવાની મગજમાં ધુન સવાર થઈ છે. રોજ બપોરે પોતાની કારમાં ટીફીનો લઈને ગરીબોની જઠરાગ્નિ તૃપ્ત કરવા નીકળી પડે છે અને એક જગ્યાએ તો બાળકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાની સાથે શિક્ષિક બની શિક્ષકોની સાથે સરસ્વતીનું અનુષ્ઠાન કરાવે છે.
મોરબીમાં રહેતા 65 વર્ષીય વિનોદભાઇ નિમાવત અગાઉ રેલવેમાં ટ્રેન પાયલોટ હતા અને આ સેવામાંથી નિવૃત્ત થતા જ ટિફિન સેવામાં લાગી ગયા છે. આ દાદા કહે છે કે, તેમના માતા-પિતાએ ગરીબોની સેવા માટે જીવન સમર્પિત કરી દીધું હતું અને આ સેવાના સંસ્કારો તેમને વારસામાં મળ્યા છે.રેલવેમાં નોકરી કરતા હોય ત્યારે સેવા કરવાની ફુરસદ મળી ન હતી. જો કે તે સમયે જ તેઓએ વિચારી લીધું હતું કે જીવનમાં નાતજાતના બંધનો ઉપર ઉઠીને સેવા કરવી એજ સાચો માનવ ધર્મ છે.આવા સદવિચાર ધરાવતા દાદા નિવૃત થતા જ લોકોની સેવામાં લાગી ગયા છે. તેમને મહિને રૂ.70 હજાર જેટલું પેન્શન મળતું હોય એ બધી જ રકમ ફ્રી ટિફિન સેવા પાછળ ખર્ચી નાખે છે. દરરોજ સવારે ઉઠીને તેઓ શાકભાજી ખરીદી જાતે જ શાક, રોટલી દાળ ભાત સહિતની રસોઈ બનાવીને એક વેનમાં તૈયાર કરેલી રસોઈ લઈને શહેરમાં જુદી જુદી જગ્યાએ રહેતા ભૂખ્યાજનોને ફ્રી ટિફિન આપવા નીકળી પડે છે તેઓએ શરૂઆત પાંચ ટિફિનથી કરી હતી. હાલ અત્યારે બે ટાઇમ સુધી આખા દિવસના આશરે 100 જેટલા ટિફિન પહોંચાડે છે અને ઝૂંપટપટ્ટીમાં રહેતા એકદમ નિર્ધન પરિવારોમાં બાળકો સહિતના લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરે છે. એક જગ્યાએ એટલે શહેરના સામાકાંઠે એલઇ કોલેજ રોડ ઉપર ફ્લોરા હાઉસના કોનર ખાતે રોડની એકદમ સાઈડમાં ઝૂંપટપટ્ટીના બાળકો ભોજનની સાથે શિક્ષણ આપે છે. જેમાં નિવૃત શિક્ષિકા વિદ્યાબેન સોલંકી કહે છે કે,તેઓ નિવૃત થયા પછી બીજા એક શિક્ષિકા સાથે આવા ગરીબ બાળકોને શિક્ષણ આપે છે. ત્યાં આ દાદા આવે છે અને બાળકો ભૂખથી પ્રેરાયને શિક્ષણ મેળવે એ અમારા માટે ખૂબ જ ગૌરવની બાબત છે. કારણ કે, જીવનમાં સરસ્વતીનું અનુષ્ઠાન સૌથી મોટું અનુષ્ઠાન છે.