મોરબી : મોરબીના ઘુંટુ નજીક ત્રણ દિવસ પૂર્વે ડબલ સવારી બાઇકને પુરપાટ ઝડપે આવતા કાળમુખા ડમ્પર ચાલકે હડફેટે લઇ બાઈક ચલાવી રહેલા આધેડ અને પાછળ બેઠેલા વ્યક્તિને ડમ્પરના પાછલા જોટામા લઈ લેતા આધેડનું ઘટના સ્થળે જ અને પાછળ બેઠેલા વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટનામાં ડમ્પર ચાલક વાહન રેઢું મુકી નાસી ગયો હતો.
મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદી મુકેશભાઈ અમૃતભાઈ વાઘેલાએ જાહેર કર્યું હતું કે, ગત તા.22ના રોજ સવારે સાડા અગિયારેક વાગ્યાના અરસામાં તેમના પિતાજી અમૃતભાઈ અને દિનેશભાઇ કરશનભાઇ જાદવ રેકડાના ટાયરમાં પંચર સંધાવવા માટે બાઈક લઈને જતા હતા ત્યારે હળવદ તરફથી આવી રહેલા જીજે - 36 - એક્સ - 5539 નંબરના ડમ્પર ચાલકે ક્રિયાન પેટ્રોલપંપ નજીક બાઇકને ઠોકર મારી પાછલા જોટામા લઈ લેતા અમૃતભાઈનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું જ્યારે પાછળ બેઠેલા દિનેશભાઇ કરશનભાઇ વાઘેલાનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર ચાલક વાહન રેઢું મૂકી નાસી જતા અકસ્માતની આ ઘટના અંગે મુકેશભાઈએ તાલુકા પોલીસ મથકમાં ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધવતા પોલીસે ગુંન્હો નોંધી તપાસ શરૂ કરી છે.