Thursday - Apr 30, 2026

મોરબીમાં રિવરફ્રન્ટ અને સામાન્ય વર્ગ માટે પ્રધાનમંત્રી આવાસો બનાવવાનો નવી બોડી સામે પડકાર

મોરબીમાં રિવરફ્રન્ટ અને સામાન્ય વર્ગ માટે પ્રધાનમંત્રી આવાસો બનાવવાનો નવી બોડી સામે પડકાર

સામાજિક કાર્યકરે સામાંકાંઠામાં વિકાસના કામો કરવાની મ્યુનિસિપલ કમિશનરને રજુઆત કરી

મોરબી : મોરબીમાં પ્રજાએ ફરી એકવાર ભાજપની વિકાસની રાજનીતિ ઉપર વિશ્વાસ મૂકી ખોબલે ખોબલે મત આપતા મોરબી મનપામાં પ્રથમ 52 ને 52 બેઠક સાથે ભાજપની બોડી સતાસ્થાને આવી ગઈ છે. જે રીતે પ્રજાએ નિષ્ઠાથી ભાજપને મત આપ્યા તે રીતે જ પ્રજાની અપેક્ષા પર ખરા ઉતરવામાં ભાજપે પણ નિષ્ઠા દાખવવી પડશે. ત્યારે મોરબીના સામાકાંઠે વિકાસના કામો કરવા અને ખાસ હરવા ફરવા માટે રિવરફ્રન્ટ અને સામાન્ય વર્ગ માટે પ્રધાનમંત્રી આવાસો બનાવવાનો નવી બોડી સામે પડકાર છે. આથી સામેકાંઠે પાડાપુલ નીચે નટરાજ ફાટકથી ધરમપુર રોડ સુધી રિવરફ્રન્ટ વિકાસ તથા સર્કિટ હાઉસથી વિદ્યુતનગર વિસ્તાર સુધી પ્રધાનમંત્રી આવાસ યોજના અમલીકરણ કરવા મ્યુનિસિપલ કમિશનરને વિગતવાર રજૂઆત કરાઈ છે.

મોરબીના સામાજિક કાર્યકર ચિંતનભાઈ રાજ્યગુરુએ રજુઆતમાં જણાવ્યું હતું કે, મોરબી શહેરના પાડાપુલ નીચેનો વિસ્તાર ખાસ કરીને નટરાજ ફાટક પાસે બેઠાપુલથી લઈને ધરમપુર રોડ સુધીનો વિસ્તાર વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ અને સંભાવનાશીલ છે. હાલ મહાનગરપાલિકા દ્વારા આ રોડને “આઇકોનિક રોડ” જાહેર કરવામાં આવ્યો છે તથા અરુણોદય સર્કલથી વીસીપારા સુધીનો ઓવરબ્રિજ મંજૂર થયો છે.જે આ વિસ્તારના ભવિષ્યના વિકાસને વધુ ગતિ આપનાર છે. નટરાજ પાસે બેઠાપુલથી શરૂ કરીને ધરમપુર રોડ સુધીનો વિસ્તાર નદી કિનારે આવેલ હોવાથી અહીં એક સુવ્યવસ્થિત અને આધુનિક “રિવરફ્રન્ટ” વિકસાવવા માટે વિશાળ સંભાવનાઓ છે. આથી અહીંયા રિવરફ્રન્ટનો વિકાસ કરવો જરૂરી છે.

પ્રસ્તાવિત સુવિધાઓ અને લાભો

- વોકિંગ અને સાયકલ ટ્રેક
- ગાર્ડન અને ગ્રીન ઝોન
- પરિવાર માટે સિટિંગ એરિયા
- બાળકો માટે પ્લે ઝોન
- ફૂડ કોર્ટ અને નાઈટ માર્કેટ
- ઓપન જીમ અને યોગા ઝોન
- ડેકોરેટિવ લાઈટિંગ અને CCTV સુરક્ષા
- પાર્કિંગ સુવિધા

- શહેરને આધુનિક અને આકર્ષક ઓળખ મળશે
- પ્રવાસન અને સ્થાનિક વેપારમાં વધારો થશે
- નાગરિકોને સ્વચ્છ અને સુવિધાસભર જાહેર સ્થળ મળશે
- મોરબીને “પેરિસ જેવી ઓળખ” અપાવામાં સહાય મળશે

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસો બનાવો

સર્કિટ હાઉસ ખાતે આવેલ વર્ધમાન સોસાયટીથી શરૂ કરીને વિદ્યુત નગરના ઢળિયા સુધીનો વિસ્તાર હાલમાં રહેણાંક દ્રષ્ટિએ અવ્યવસ્થિત છે અને અહીં મોટા ભાગે મધ્યમ તથા આર્થિક રીતે નબળા વર્ગના લોકો વસવાટ કરે છે..આથી  આ સમગ્ર વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) અંતર્ગત સુવ્યવસ્થિત રહેણાંક યોજના વિકસાવવામાં આવે તેવી માંગ છે. આથી હાલના ઘરવિહોણા સ્થાનિક ગરીબ અને સામાન્ય વર્ગના રહેવાસીઓને પ્રાથમિકતા આપવામાં આવે તો ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ઘરનું ઘર મળશે અને આધુનિક સુવિધાઓ (પાણી, ગટર, રોડ, લાઈટ) સાથે રહેણાંક વિકાસ પણ થશે. બાહ્ય લોકો કરતાં સ્થાનિક લોકોને આવાસ ફાળવણીમાં પ્રાથમિકતા મળે તે માટે આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ માટે તાત્કાલિક સર્વે હાથ ધરી ડીપીઆર (Detailed Project Report) તૈયાર કરી અને યોગ્ય કાર્યવાહી શરૂ કરવાની માંગ કરી છે.