ટંકારા : ટંકારાના ભાગોળે 12 નાલા નજીક રાજકોટ-મોરબી રોડ પર એક ગંભીર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. હાઈવે પર ઉભેલા એક બંધ ડમ્પરની પાછળ ઈકો કાર ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં ઈકો કારના ડ્રાઈવર અને તેની બાજુમાં બેઠેલા અન્ય એક યુવક એમ કુલ 2 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે.
અકસ્માત સર્જાતા જ આસપાસથી પસાર થતા રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. આ જ સમયે પોલીસ પણ પેટ્રોલિંગમાં હતી, જેથી થાણા અધિકારી અને ડી-સ્ટાફના જમાદાર સહિતનો પોલીસ કાફલો તાકીદે ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સ્થાનિકોની મદદથી બંને ઘાયલ યુવાનોને સત્વરે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા અને હાઈવે પરનો ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. હાલમાં ઈકો કારમાં સવાર આ બંને ઘાયલ યુવાનોની ઓળખ અંગે કોઈ વધુ વિગતો મળી શકી નથી. પોલીસ દ્વારા આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.