Saturday - May 16, 2026

બે કલાક સેનામાં જોડાવવાની તાલીમ, 12 કલાકની જોબ, 4 કલાકનો અભ્યાસ : મોરબીની યુવતીની રોજની 18 કલાકની કઠોર સાધના

બે કલાક સેનામાં જોડાવવાની તાલીમ, 12 કલાકની જોબ, 4 કલાકનો અભ્યાસ : મોરબીની યુવતીની રોજની 18 કલાકની કઠોર સાધના

માત્ર ચારેક કલાકની ઊંઘ છતાં મંઝિલે ન પહોંચે ત્યાં સુધી લડયા રહેવાના જોશથી ક્યારેય કંટાળો કે માનસિક બોજ લાગ્યો જ નથી

રવિ બરાસરા : મોરબીની એક હોનહાર યુવતી સાત વર્ષથી આર્થિક રીતે બેહાલ રહેલા પરિવારનું જીવન બહેતર બનાવવાની સાથે દેશની સેવા કરવા માટે રીતસર એક લડાયક યોદ્ધાની જેમ જ જંગ લડી રહી છે. જેમાં મોરબી માળીયા હાઇવે પર મહેન્દ્રનગર પાસે આવેલ ટીંબાવડી વિસ્તારમાં રહેતી 22 વર્ષીય ધોળકિયા ખુશાલી કિશોરભાઈ જ્યારે ધો.8માં જ ભણતી હતી ત્યારે પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ નાજુક હોવાનો ખ્યાલ આવી ગયો હતો. પરિવારમાં કમાનાર એકમાત્ર માતા હોવા છતાં તેમણે પુત્રી અને તેના નાના પુત્રને ભણાવવામાં કોઈ કસર બાકી રાખી ન હતી. પોતાનો પરિવાર આર્થિક રીતે સક્ષમ ન હોવાથી કોઈપણ વસ્તુઓ લેવાની ક્યારેય પણ ખોટી જીદ ન કરીને ઉપરથી માતાને આર્થિક રીતે મદદરૂપ થવાની સાથે પોતાના ભણતરનો ખર્ચ કાઢવા ધો. 10માં સારા ગુણે ઉત્તીર્ણ થઈ મોરબીની સોની બજારમાં આવેલી એક ચિલ્ડ્રન વેર એટલે નાના બાળકોના કપડાની દુકાનમાં પાર્ટ ટાઈમ જોબ શરૂ કરી દીધી હતી. બસ ત્યારથી એટલે ધો.11થી તેના કપરા સંઘર્ષની કઠિન સફર શરૂ થઈ ગઈ હતી. આ યુવતીનું ઘર મોરબીથી નવ કિમિ દૂર હોય જોબ અને સ્કૂલે જવા નિયમિતપણે બસ કે અન્ય ખાનગી વાહનમાં અપડાઉન કરતી અને ઘરેથી ટિફિન લઈને જ આવી અડધો દિવસ સ્કૂલે અને અડધો દિવસ નોકરી કરી એટલે બે વર્ષ સુધી રોજના 12 કલાકથી વધુ સમય મહેનત કરી ધો.11 અને ધો.12ની પરીક્ષા પણ ઉચ્ચ ગુણે ઉત્તીર્ણ થઈને કોલેજમાં પ્રવેશી એટલે મહેનત વધુ આકરી કરી એ જ કપડાંની દુકાને એણે રોજ સવારે નવથી રાત્રીના નવ એટલે 12 કલાકની જોબ કરી ઘરે પહોંચી જમ્યા પછી સુવાને બદલે હવે બીકોમની ફાયનલ ઈયરની તૈયારી કરવાની સાથે સેનામાં જોડાવવા માટે પહેલા કરતા પણ વધુ સમયનો સંઘર્ષ શરૂ કરી રહી છે. 

બે કલાક સેનામાં જોડાવવાની તાલીમ, 12 કલાકની જોબ, 4 કલાકનો અભ્યાસ : મોરબીની યુવતીની રોજની 18 કલાકની કઠોર સાધના

રોજના સંઘર્ષનું શેડયુલ

આગામી સમયમાં આવતી એસએસજીડી એટલે સ્ટાફ સિલકશન કમિશન જનરલ ડ્યુટી એટલે એક પ્રકારે દેશની આંતરિક સુરક્ષા માટે અર્ધ લશ્કરી દળની પરીક્ષા માટે બેથી ત્રણ મહિનાથી આકરી તાલીમ લઈ રહી છે. જેમાં વહેલી સવારે 5 વાગ્યે કડકડતી ટાઢમાં ઉઠી જવાનું અને અડધી કલાકમાં નાસ્તો કરી તૈયાર થઈ અને બપોરનું જાતે જ ટિફિન બનાવીને 6 વાગ્યે ઘરેથી નીકળીને સીધા જ મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં પહોંચી જવાનું, ત્યાં અઢી કે ત્રણ કલાક સુધી સેનામાં જોડાવવા માટેની કઠોર તાલીમ લઈને આરામ કરવાને બદલે સીધા જ સવારે નવ વાગ્યે જોબના સ્થળે પહોંચી જવાનું, રાત્રે 9 વાગ્યે 12 કલાકની નોકરી પુરી કરી ઘરે આવી ફ્રેશ થઈ જમીને સીધા જ સુઈ જવાનું નહિ. બલ્કે રાત્રે 12 વાગ્યા સુધી બીકોમ અને સાથેસાથે ફેબ્રુઆરી આવતી સેનાની ઓનલાઈન પરીક્ષાની તૈયારી કરે છે. એટલે રોજની 18 કલાક મહેનત કરવાની અને એની સામે માત્ર ચારેક કલાક જ ઉંઘ કરવાની. છતાં મંઝિલે ન પહોંચે ત્યાં સુધી લડતા રહેવાના જોશથી ક્યારેય કંટાળો કે માનસિક બોજ લાગ્યો જ નથી.
 

બે કલાક સેનામાં જોડાવવાની તાલીમ, 12 કલાકની જોબ, 4 કલાકનો અભ્યાસ : મોરબીની યુવતીની રોજની 18 કલાકની કઠોર સાધના

પહેલા માતા અને ભાઈનું જીવન ધોરણ ઉંચું લાવ્યા પછી પર્સનલ લાઈફ વિશે વિચારીશ

ખુશાલી કહે છે કે, અભ્યાસમાં હું પહેલેથી જ તેજસ્વી છું. એટલે હવે બીકોમ પૂરું કરી આગળ પણ એમકોમ કરીને આસાનીથી સારી જોબ મેળવી જિદંગી બહેતર બનાવી શકું એમ છું. પણ મારામાં નાનપણથી જ દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના પ્રબળ હોવાથી સેનામાં જોડાવવા માટે અવિરતપણે પ્રયાસો કરતી રહીશ. બીજું કે મારા પિતા ખોટી કુટેવનો શિકાર બન્યા હોવાથી કામકાજ ન કરતા હોય અને પાંચ વર્ષ પહેલાં જ એમનું અવસાન થયું હતું. પિતા ખોટી કુટેવને કારણે શરૂઆતમાં કામ ન કરતા હોય સંતાનોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા હું ત્રણ વર્ષની હતી ત્યારે મારા માતા મને લઈને તેમના પિયરે રહેવા આવી ગયેલા, એટલે મારા મોસાળમા સંયુક્ત પરિવારમાં જ હું મારો ભાઈ તેમજ માતા રહેતા હોય અને માત્ર બે ચોપડી ભણેલા મારા માતા એટલા સ્વમાની છે કે કોઈ પાસે હાથ લંબાવવાને બદલે મજૂરી કામ કરીને અમે બંને ભાઈ બહેનનો ઉછેર કરી ભણાવતા, જો કે એમની પાસેથી હું સ્વમાનભેર જીવતા શીખી છે. એટલે આજે હું સ્વનિર્ભર બની છું. મારી માતાએ ખૂબ જ કષ્ટો વેઠયા હોય એટલે પહેલા એમની તથા નાના ભાઈનું જીવન ધોરણ જ્યાં સુધી ઉંચું નહિ લાવું ત્યાં સુધી હું પર્સનલ લાઈફ વિશે વિચારીશ જ નહીં.

બે કલાક સેનામાં જોડાવવાની તાલીમ, 12 કલાકની જોબ, 4 કલાકનો અભ્યાસ : મોરબીની યુવતીની રોજની 18 કલાકની કઠોર સાધના

પહેલા કરતા ઘરની આર્થિક સ્થિતિ સુધરી

ધો.11માં યુવતી જોબ શરૂ કરી ત્યારે પાર્ટ ટાઈમ હોવાથી મહિને 3 હજારનો પગાર મળતો. પણ છેલ્લા ત્રણ વર્ષથી ફૂલ ટાઈમ જોબ કરતા મહિને 15 હજાર કમાય છે. તેમજ માતા પણ મહિને 10 હજાર કમાય છે. એટલે ઘરની આર્થિક પરિસ્થિતિ સુધરતા યુવતીએ એકવર્ષ પહેલા જ નવું સ્કૂટર લીધું હતું. ત્યારે આ યુવતી સહિતના યુવાનોને પોલીસ અને લશ્કરમાં જોડાવવા માટે વિનામૂલ્યે તાલીમ આપતા યંગ ઇન્ડિયા ગ્રુપના સ્થાપક દેવેન રબારી કહે છે કે, આ યુવતીનો સંઘર્ષ એક તપસ્વી જેવો જ કહી શકાય. એટલે આ યુવતીના સંઘર્ષથી બે રૂઢિવાદી પૂર્વગ્રહ દૂર કરવાનો મેસેજ મળે છે. આજના કહેવાતા મોર્ડન જમાના પણ હજુ પણ દીકરો જ ફૂળ તારે તેવી પુત્ર એસણાની માનસિકતા ધરબીને બેઠેલા વર્ગને આ દીકરીએ જડબાતોડ જવાબ આપ્યો છે. બીજું કે પોતાની આર્થિક સ્થિતિ નબળી હોય આગળ ન ભણી શક્યા તેવા રોદણા રોતા વિધાર્થીઓનું પણ આ દીકરીએ નબળી આર્થિક પરિસ્થિતિ વચ્ચે પણ કેરિયર બનાવી મોઢું સીવી દીધું છે.

બે કલાક સેનામાં જોડાવવાની તાલીમ, 12 કલાકની જોબ, 4 કલાકનો અભ્યાસ : મોરબીની યુવતીની રોજની 18 કલાકની કઠોર સાધના
બે કલાક સેનામાં જોડાવવાની તાલીમ, 12 કલાકની જોબ, 4 કલાકનો અભ્યાસ : મોરબીની યુવતીની રોજની 18 કલાકની કઠોર સાધના