Monday - Aug 03, 2026

વાંકાનેરમાં પાર્ક કરેલી ઈકો કાર ચોરનારા બે ઝડપાયા, રૂ.3.12 લાખનો મુદ્દામાલ કબજે

વાંકાનેરમાં પાર્ક કરેલી ઈકો કાર ચોરનારા બે ઝડપાયા, રૂ.3.12 લાખનો મુદ્દામાલ કબજે

CCTV અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ઢુવા નેશનલ હાઇવે બ્રિજ પાસેથી બંનેને ઝડપી પાડ્યા

મોરબી : વાંકાનેરના દિગ્વિજયનગર (પેડક) વિસ્તારમાંથી પાર્ક કરેલી ઈકો કારની ચોરીનો પોલીસે ભેદ ઉકેલી બે શખ્સોને ઝડપી લીધા હતા. ઘટનાના CCTV ફૂટેજ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ આગળ ધપાવી પોલીસે બંનેને ઢુવા નેશનલ હાઇવે બ્રિજ પાસેથી ઝડપીને પૂછપરછ કરતા કાર ચોરી કરી હોવાની કબૂલાત આપતા તેમની પાસેથી ચોરાયેલી ઈકો કાર સહિત કુલ રૂ.3.12 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

વાંકાનેર શહેર પોલીસ સ્ટેશનમાં કાર ચોરીનો ગુનો નોંધાયા બાદ બનાવને વણઉકેલ્યો ગણાવી તેની તપાસ હાથ ધરવામાં આવી હતી. ગુનાનો ભેદ ઉકેલવા સર્વેલન્સ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. ટીમોએ ઘટનાસ્થળ તથા આસપાસના માર્ગો પર લગાવવામાં આવેલા CCTV કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. સાથે જ ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરી શંકાસ્પદ હિલચાલ અંગે માહિતી મેળવવામાં આવી હતી. તપાસ દરમિયાન મળેલી કડીઓના આધારે પોલીસે બે શખ્સોની ઓળખ કરી હતી.

મળેલી માહિતીના આધારે આરોપી રાકેશ ઉર્ફે રોકી મગનભાઈ વાઢેર (ઉં.વ.32) અને જાવિદભાઈ ગફારભાઈ તરીયાને ઢુવા નેશનલ હાઇવે બ્રિજ પાસેથી ઝડપી લેવામાં આવ્યા હતા. બંનેની સઘન પૂછપરછ કરતાં દિગ્વિજયનગર (પેડક) સોસાયટી વિસ્તારમાં પાર્ક કરેલી ઈકો કાર ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. પોલીસે બંને પાસેથી ચોરાયેલી ઈકો કાર ઉપરાંત મોબાઇલ ફોન સહિત કુલ  રૂ.3,12,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. વાંકાનેર શહેર પોલીસે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 303(2) હેઠળ નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલી બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેરમાં પાર્ક કરેલી ઈકો કાર ચોરનારા બે ઝડપાયા, રૂ.3.12 લાખનો મુદ્દામાલ કબજે