Tuesday - May 19, 2026

મોરબીમાં આઇપીએલ ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા બે ઝડપાયા

મોરબીમાં આઇપીએલ ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા બે ઝડપાયા

મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે શારદા સોસાયટીમાં દરોડો પાડી ઓનલાઈન આઇડી પર આઇપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે આરોપીઓને ઝડપી લઈ મોબાઈલ, રોકડ તેમજ મોટર સાયકલ સહિત એક લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી જુગાર રમવા આઇડી આપનાર આરોપીનું નામ ખોલાવ્યું હતું.

આઇપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટના અંતિમ તબક્કામાં જુગારીઓ સક્રિય બન્યા છે ત્યારે મોરબી એ ડિવિઝન પોલીસે પણ બાતમીદારો મારફતે ક્રિકેટ સટ્ટો રમતા શખ્સો પર નજર રાખવાનું શરૂ કર્યું છે જે અન્વયે ગઈકાલે રવાપર - લીલાપર રોડ પર શારદા સોસાયટીમાં કોહિનૂર કોમ્પ્લેક્સ નજીક દરોડો પાડી આરોપી મોસીન ઉમેદભાઈ વલિયાણી રહે.શારદા સોસાયટી અને આરોપી જીજ્ઞેશ કાંતિલાલ રામોલિયા રહે.મહાવીર એપાર્ટમેન્ટ રવાપર ગામ વાળાને ઓનલાઈન આઇડી પર પંજાબ અને બેંગલુરુની ટીમ વચ્ચે રમાતા મેચ પર સટ્ટો રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 5500, 4 મોબાઈલ કિંમત રૂ.40 હજાર, એક મોટર સાયકલ કિંમત રૂ.50 હજાર મળી કુલ રૂ.1,05,500નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.આરોપીની પૂછતાછમાં ક્રિકેટ સટ્ટો રમવા માટે આરોપી જયદીપ ઉર્ફે જલો રહે.મોરબી વાળા પાસેથી ક્રિકેટ રમવા આઇડી મેળવ્યાનુ કબુલતા ત્રણેય વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.