દિવસે મજૂરીની રેકી કરી રાત્રીના બંધ મકાનો ચોરી કરતા હોવાની બન્નેની કબૂલાત
મોરબી : મોરબી તાલુકાના આંદરણા ગામે ૧૭ દિવસ પહેલા થયેલી ઘરફોડ ચોરીની ઘટનામાં મોરબી એલસીબી ટીમે બાતમીદાર નેટવર્કના આધારે ગુન્હાનો ભેદ ઉકેલી નાખી વાંકડા નજીક ઇંટોના ગડદા બનાવતી ફેકટરીમાં મજૂરી કરતા બે આરોપીઓને ઝડપી લઈ ચોરીમાં ગયેલ ૪.૫૩ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ચોરીની આ ઘટનામાં અન્ય ત્રણ આરોપીઓના નામ પણ બન્ને ઝડપાયેલા આરોપીઓએ કબુલતા પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.
મોરબી તાલુકાના આંદરણા ગામે ગત તા.૧૮ જુલાઈના રોજ ફરિયાદી કમલેશભાઈ મેરામણભાઈ બોરાણાના મકાનને નિશાન બનાવી અજાણ્યા શખ્સો રૂ.૭,૩૬,૯૦૦ના સોના ચાંદીના દાગીના, રોકડ તેમજ ઘડિયાળ સહિતની વસ્તુઓ ચોરી કરી ગયા હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાવી હતી.ચોરીની આ ઘટનામાં મધ્યપ્રદેશની ગેંગ સંડોવયેલ હોવાની સાથે ચોરી કરનાર તસ્કરો મોરબી જિલ્લામાં મજૂરી કામ કરતા હોવાની બાતમી મળતા મોરબી એલસીબી ટીમે હ્યુમન સોર્સની ટીમને કામે લગાડી હતી.
દરમિયાન મોરબી એલસીબી ટીમને પાકી બાતમી મળી હતી કે, ચોરી કરનાર આરોપીઓ હાલમાં વાંકડા ગામ નજીક એક ઇટોના ગડદા બનાવતી ફેકટરીમાં કામ લરી રહ્યા છે.જેને પગલે એલસીબી ટીમે આરોપી સમરસસિંગ ઉર્ફે સમીર કાલુસીંગ દેવકા અને આરોપી સુરેશ ઉર્ફે સુરો ભુરસીંગ દેવકાને ઝડપી લેતા આરોપીઓએ ચોરીના આ કિસ્સામાં અન્ય ત્રણ આરોપીઓમાં અંતરસિંગ સદનસીંગ મકવાણા, રમેશ કાલુસીંગ દેવકા અને દિલીપ માના અનારે રહે.તમામ મધ્યપ્રદેશ વાળાઓ પણ સાથે હોવાનું કબુલતા પોલીસે બન્નેની ધરપકડ કરી અન્ય ત્રણ આરોપીને ફરાર દર્શાવ્યા હતા.
પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓ પાસેથી સોનાનું મંગળસૂત્ર (વજન ૨૨.૮૫૦ ગ્રામ - કિંમત રૂા. ૧,૨૫,૦૦૦/-)
સોનાની બુટી સાથેનું (વજન ૧૨.૪૭૦ ગ્રામ - કિંમત રૂા. ૭૫,૦૦૦/-) સોનાનું માતાજીના ફોટાવાળું પેન્ડલ (કિંમત રૂા. ૫૦,૦૦૦/-)સોનાનો પટ્ટીવાળો ચેઈન (કિંમત રૂા. ૫૨,૪૦૦/-) સોનાનું એક્કનની ડિઝાઇનવાળું પેન્ડલ તથા ચેઈન (કિંમત રૂા. ૫૦,૦૦૦/-) સોનાની બુટી અને વીંટી (કિંમત રૂા. ૩૫,૪૦૦/-) ચાંદીના કડા અને મોબાઈલ ફોન નંગ-૩ (કિંમત રૂા. ૫૪,૯૦૦/-) મળી કુલ રૂ.૪,૫૩,૯૦૦નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. મધ્યપ્રદેશના વતની આરોપીઓ મોરબી વિસ્તારમાં મજૂરી કામની આડમાં દિવસ દરમિયાન રેકી કરી, રાત્રે બંધ મકાનોના નકૂચા તોડી ચોરીને અંજામ આપતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.