મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે શકત શનાળા રોડ પર આવેલી ધર્મલાભ સોસાયટીના એક મકાનમાં દરોડો પાડી ત્રણ સૂટકેસમાંથી 64 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ રૂ.92,576નો દારૂનો મુદ્દામાલ કબજે કરી બે આરોપીની ધરપકડ કરી છે, જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે.
એ ડિવિઝન પોલીસને શૈલેષભાઈ અણદાભાઈ હણના મકાનમાં દારૂ રાખી વેચાણ કરાતું હોવાની બાતમી મળતાં 19 સપ્ટેમ્બરે રાત્રે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ઉપરના માળે રૂમમાંથી ત્રણ સૂટકેસમાં સંતાડેલો દારૂ મળી આવ્યો હતો. જેમાં બ્લેન્ડર પ્રાઇડની 26, જેમસનની 20, એન્ટીક્યુટી બ્લુની 10 અને જે એન્ડ બીની 8 બોટલ મળી કુલ 64 બોટલ જપ્ત કરાઈ હતી. આ કેસમાં પોલીસે શૈલેષભાઈ ઉર્ફે રોબીન અણદાભાઈ હણ અને વિવેકભાઈ ઉર્ફે બંસી રમેશભાઈ ખાંભલાની ધરપકડ કરી છે. જ્યારે ભાગીદાર વિશાલભાઈ ઉપેન્દ્રભાઈ ખાંભલા હાજર ન મળતાં તેને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ વધુ તપાસ હાથ ધરાઈ છે.